મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

રીટેઇલ દુકાનદારો પર ત્રીજી લહેરનો માર

ગ્રાહકો બિનજરૂરી ચીજોની ખરીદી ઘટાડી રહ્યા છે : તો ઇ-કોમર્સ કંપનીઓને બખ્‍ખા

મુંબઇ તા. ૧૫ : કોરોનાની ત્રીજી લહેરથી પેકેટબંધ વસ્‍તુઓના રીટેઇલ દુકાનદારો અને દ્વિચક્રી વાહનોના ડીલરો પર ખરાબ અસર થઇ છે પણ ઇ-કોમર્સ કંપનીઓ જોરદાર કમાણી કરી રહી છે. ભાવિ અનિヘતિતાઓ અને સતત વધતી મોંઘવારીથી ચિંતીત ગ્રાહકો બીનજરૂરી વસ્‍તુઓની ખરીદી ઘટાડી રહ્યા છે પણ કરિયાણુ, દવા, કોરોના ટેસ્‍ટીંગ કીટ જેવી જરૂરી ચીજોની બહુ ખરીદી કરી રહ્યા છે.
ગોદરેજ એપ્‍લાયન્‍સીસના કમલનંદીએ કહ્યું કે ત્રીજા ત્રિમાસીકમાં ફેસ્‍ટીવલ સીઝન હોવા છતાં ક્ષેત્રનું માત્રાત્‍મક વેચાણ ૨૦ થી ૨૫ ટકા ઘટયું છે અને કિંમતના હિસાબે પણ વેચાણમાં ૫ થી ૧૦ ટકાનો ઘટાડો થયો છે. કંપનીઓએ ભાવમાં ૧૫ થી ૧૬ ટકા વધાર્યા પછી પણ આ સ્‍થિતિ છે. નંદીએ કહ્યું, ‘લોકોએ આ વર્ષે બીનજરૂરી ચીજો પર ખર્ચ નથી કર્યો અને અર્થવ્‍યવસ્‍થામાં મોંઘવારીથી વલણ નબળું બનેલું રહ્યું છે.'
સ્‍નેપબીજના સીઇઓ પ્રેમકુમારે કહ્યું કે ઘરનું બજેટ ઓછું હોવાથી જરૂરી ચીજોમાં પણ સસ્‍તા વિકલ્‍પોનું આકર્ષણ વધ્‍યું છે. પરિણામે નાના કરિયાણા દુકાનદારો લોકલ બ્રાન્‍ડોનો સ્‍ટોક વધારે રાખી રહ્યા છે.
કોરોનાના કારણે લગાવાયેલા પ્રતિબંધોના કારણે ગ્રાહકો ઘરની બહાર નથી નિકળી રહ્યા. તેના લીધે ઇ-કોમર્સ કંપનીઓનો ધંધો વધ્‍યો છે. ફિલપકાર્ટના એક પ્રવકતાએ કહ્યું કે, કંપનીએ છેલ્લા ૧૨ દિવસમાં ટેસ્‍ટીંગ કીટ, ઓકસીમીટર, ડીજીટલ થર્મોમીટર અને કરીયાણાની માંગમાં મહત્‍વપૂર્ણ વધારો નોંધ્‍યો છે. પ્રવકતાએ કહ્યું કે, આ સમયગાળામાં ઓકસીમીટરની માંગમાં સાડાત્રણ ગણો, ટેસ્‍ટીંગ કીટની માંગમાં ૨૨ ગણો વધારો થયો છે. જ્‍યારે કરીયાણાની માંગમાં ૧.૬ ગણો વધારો થયો છે.

 

(11:57 am IST)