મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

હિંદુઓ ઓછામાં ઓછા ૩ બાળકો પેદા કરેઃ વિહિપ નેતા મિલિન્‍દ પરાંડે

કાર્યક્રમમાં ત્રિશૂળ દીક્ષા પણ આપવામાં આવી અને લવ-જેહાદ, ધર્માંતરણ, ગૌહત્‍યા રોકવાનો સંકલ્‍પ પણ લેવડાવવામાં આવ્‍યો

નવી દિલ્‍હી, તા. ૧૫: વિશ્વ હિંદુ પરિષદના કેન્‍દ્રીય મહામંત્રી મિલિન્‍દ પરાંદે સાર્વજનિક મંચ પરથી હિંદુ યુવાનોને વિવાહ બાદ ૨થી ૩ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. તેમના કહેવા પ્રમાણે જો હિંદુઓની વસ્‍તી ઘટી તો પછી તેમનું અસ્‍તિત્‍વ જ સંકટમાં આવી જશે.
હકીકતે ખંડવા ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંયુક્‍તરૂપે હિંદુ યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં મોટી સંખ્‍યામાં યુવાનો સામેલ થયા હતા. તેમાં ત્રિશૂળ દીક્ષા પણ આપવામાં આવી અને લવ-જેહાદ, ધર્માંતરણ, ગૌહત્‍યા રોકવાનો સંકલ્‍પ પણ લેવડાવવામાં આવ્‍યો હતો.
આ દરમિયાન મિલિન્‍દ પરાંડેએ હિંદુ યુવાનોને વિવાહ બાદ ૨થી ૩ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દરેક યુવાને એ વિચારવું જોઈએ કે, વિવાહ બાદ દરેક હિંદુ દ્યરમાં ઓછામાં ઓછા ૨થી ૩ બાળકો હોવા જ જોઈએ. જયારે આપણી વસ્‍તી દ્યટી જશે, હિંદુઓ માટે અસ્‍તિત્‍વ સંકટમાં આવી જશે અને માટે જ માત્ર પોતાના માટે જ નહીં પણ સમાજની રક્ષા માટે પણ દરેક હિંદુ પરિવારમાં ૨-૩ બાળકો હોવા જોઈએ.
મિલિન્‍દ પરાંડેએ કહ્યું કે, ૧૮૫૭માં જયારે બ્રિટિશરો સાથે સંગ્રામ થયો તો તેમને લાગ્‍યું કે, હજારો વર્ષોથી આ હિંદુ સમાજ આપસમાં લડી રહ્યો છે અને હજુ પણ થાક્‍યો નથી. હિંદુ સમાજ પોતાના ઈતિહાસમાંથી પ્રેરણા લે છે માટે હિંદુઓનો ઈતિહાસ સાથેનો સંબંધ કાપવામાં આવ્‍યો જેથી હિંદુ સમાજને પ્રેરણા જ ન મળે. આ માટે તેમણે આપણી શિક્ષણ પદ્ધતિને ભ્રષ્ટ કરી દીધી. આ કારણે જ આપણને આપણા પૂર્વજો વિશે વિચારતી વખતે ગ્‍લાનિ અનુભવાય છે. જે પણ સમાજમાં પોતાના પૂર્વજોના નામ પર શરમ અનુભવાવા લાગે તે સમાજ વધુ દિવસો સુધી જીવીત નથી રહી શકતો.
મિલિન્‍દ પરાંડેએ કહ્યું કે, હિંદુઓની વસ્‍તી ઘટી રહી છે, ધર્માંતરણનું જોખમ પણ વધી રહ્યું છે અને મુસ્‍લિમ સમાજની વસ્‍તી વધી રહી છે. જયાં હિંદુઓની વસ્‍તી દ્યટી જાય છે, દેશની અખંડિતતાનું જોખમ વધી જાય છે. આ જ ઈતિહાસ છે. આ દેશને પુનઃખંડિત ન થવા દેવા માટે મોટા પ્રમાણમાં હિંદુ વસ્‍તી જોઈશે. હિંદુ વસ્‍તી ઘટવી ન જોઈએ તે ખૂબ જ આવશ્‍યક છે.

 

(10:37 am IST)