મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

કોરોનાના પહેલી અને બીજી લહેરમાં મૃતકોની ઓછી સંખ્યા દર્શાવવાના હેવાલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નકારી કાઢ્યો

માહિતીને ખોટી-ખોટી અને ખરાબ ઈરાદાવાળી ગણાવી કહ્યું ભારત સરકાર પાસે વૈશ્વિક સ્તરે કોવિડ મૃત્યુને વર્ગીકૃત કરવા માટે એક વ્યાપક તંત્ર છે.

નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં પ્રથમ બે તબક્કા દરમિયાન કોરોનાના મૃતકોની ઓછી સંખ્યા દર્શાવવાના અહેવાલને નકારી કાઢ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતીને ખોટી-ખોટી અને ખરાબ ઈરાદાવાળી ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારત સરકાર પાસે વૈશ્વિક સ્તરે કોવિડ મૃત્યુને વર્ગીકૃત કરવા માટે એક વ્યાપક તંત્ર છે.

મંત્રાલયે કેટલાક મીડિયા અહેવાલોને રદિયો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં કોરોનાની પ્રથમ બે લહેરમાં મૃત્યુ પામેલા લોકોની વાસ્તવિક સંખ્યા ઓછી દર્શાવવામાં આવી છે. કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક લગભગ 30 લાખ હોય શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, આવા મીડિયા રિપોર્ટ્સ ભ્રામક અને ખોટી માહિતી પર આધારિત છે, તે તથ્યો પર આધારિત નથી

ભારતમાં જન્મ અને મૃત્યુ રિપોર્ટિંગની ખૂબ જ મજબૂત પ્રણાલી છે જે એક જ કાયદા પર આધારિત છે અને ગ્રામ પંચાયત સ્તરથી જિલ્લા સ્તર અને રાજ્ય સ્તર સુધી નિયમિતપણે કરવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે સમગ્ર કવાયત રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા(RGI)ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)