મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

ભાજપે અપેક્ષા મુજબ જ નરેન્‍દ્રભાઇ મોદીના ગુજરાત કેડરના અધિકારી અરવિંદકુમાર શર્માને યુપી વિધાન પરિષદની ચૂંટણીમાં ટિકીટ આપી દીધી

લખનઉઃ ભાજપે અપેક્ષા મુજબ જ PM મોદીના ગુજરાત કેડરના અધિકારી અરવિંદકુમાર શર્મા (એકે શર્મા)ને યુપીના વિધાન પરિષદ ની ચૂંટણીમાં ટિકિટ આપી દીધી.

ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય સમિતિએ શુક્રવારે ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાન પરિષદની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરી. દ્વિવાર્ષિક ચૂંટણી માટે ચાર સભ્યોના નામો પર મહોર મારવામાં આવી છે. તેમાં એક શર્મા ઉપરાંત સ્વતંત્ર દેવ, ડો. દિનેશ શર્મા અને લક્ષ્મણ પ્રસાદ આચાર્ય સામેલ છે.

ઉત્તર પ્રદેશની 12 વિધાન પરિષદ બેઠક માટે 28 જાન્યુઆરીએ ચૂંટણી થવાની છે. ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી હતી. કદાચ એટલા માટે જ તેમણે અચાનક નિવૃત્તિ લઇ લીધી.

ભાજપે આજે ઉમેદવારોની જાહેરાત કરી અટકળો અને સંભાવનાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધુ. જ્યારે સપાએ બુધવારે જ તેના બે ઉમેદવારો જાહેર કર્યા હતા. અખિલેશ યાદવ પાસે એક જ બેઠક જીતવાનું સંખ્યાબળ હોવા છતાં તેમણે બે ઉમેદવારો જાહેર કરી બધાને ચોંકાવી દીધા.

2022માં નિવૃત્તિ પહેલાં જ રિટાયર્ડ

યુપીના મઉ જિલ્લાના અરવિંદ કુમાર શર્મા 2022માં રિટાયર થવાના હતા પરંતુ તેમણે અચાનક સ્વેચ્છિક સેવાનિવૃત થઇને તમામને ચોકાવી દીધા. ભાજપના યુપીના પ્રદેશ સચિવ અને પ્રવક્તા ચંદ્રમોહને જણાવ્યું હતું કે પૂર્વ આઇએએસ અધિકારી અરવિંદકુમારે ભાજપનું સભ્યપદ મેળવી લીધું છે.

એક દિવસે પહેલાં જ ભાજપમાં જોડાયા

નોંધનીય છે કે ગુજરાત કેડરના પૂર્વ IAS અધિકારી અરવિંદ કુમાર શર્માએ ગઇકાલે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અરવિંદ કુમાર શર્મા લખનઉંમાં ભાજપમાં જોડાયા હતા. શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ વિશ્વસનીય અધિકારીઓમાંથી એક રહ્યા છે.

માનવામાં આવી રહ્યુ હતું કે ભાજપ તેમણે વિધાન પરિષદ મોકલી શકે છે.

1988ની બેચની ગુજરાત કેડરના IAS અધિકારી

અરવિંદ કુમાર શર્મા 1988 બેંચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે, તેમણે 2001થી લઇને 2013 સુધી ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાથે વિવિધ પદો પર કામ કર્યુ છે.

એવામાં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બનીને દિલ્હી ગયા તો અરવિંદ શર્મા પણ તેમની સાથે પીએમઓમાં ગયા હતા. વર્તમાન સમયમાં તે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ સેક્રેટરીના પદ પર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અત્યંત વિશ્વાસુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ અરવિંદ કુમાર શર્મા યુપીના છે. તે યુપીના મઉ જિલ્લામાં મુહમ્મદાબાદ ગોહના તાલુકાના રાનીપુર વિકાસ ખંડ અંતર્ગત આવતા કાઝાખુર્દ ગામના છે.

શર્માનો જન્મ 11 એપ્રિલ 1962માં થયો હતો., તેમના પિતાનું નામ શિવમૂર્તિ રાય અને માતાનું નામ શાંતિ દેવી છે, તેમણે પોતાનો શરૂઆતનો અભ્યાસ સ્થાનિક પ્રાથમિક વિદ્યાલય કર્યો. પછી મઉની ડીએવી ઇન્ટર કોલેજમાંથી ઇન્ટર મીડિએટ સુધીનો અભ્યાસ પુરો કર્યો છે. બાદમાં ગ્રેજ્યુએશન કરવા માટે ઇલાહાબાદ યૂનિવર્સિટી ગયા હતા.

મોદી ગુજરાતના CM હતા ત્યારે સચિવપદ સંભાળ્યો

અરવિંદ શર્માએ ઇલાહાબાદ યૂનિવર્સિટીમાંથી પહેલા ગ્રેજ્યુએશન અને બાદમાં પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. તે બાદ 1988માં તેમની પસંદગી ગુજરાત કેડરમાં IAS માટે થઇ હતી.

અરવિંદ શર્માની એસડીએમ પદ પર પ્રથમ પોસ્ટિંગ 1989માં થઇ હતી અને બાદમાં ડીએમ બન્યા. વર્ષ 1995માં તે મહેસાણાના કમિશનર પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા તો તેમના કાર્યાલયના સચિવની જવાબદારી એકે શર્માને મળી હતી. અહીથી પીએમ મોદીનો વિશ્વાસ જીતવામાં શર્મા સફળ રહ્યા.

PM બનતા મોદી પોતાની સાથે દિલ્હી લઇ આવ્યા

અરવિંદ શર્માને 2013માં બઢતી આપી મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરીની જવાબદારી આપવામાં આવી. તે બાદ પીએમ મોદી 2014માં દિલ્હીની સત્તા પર આવ્યા ત્યારે તેમણે પોતાની સાથે લઇ ગયા હતા.

જૂન 2014માં કેન્દ્રીય પ્રતિનિયુક્તી પર એકે શર્માને વડાપ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવની જવાબદારી સોપવામાં આવી, જે બાદથી અત્યાર સુધી તે પીએમઓમાં હતા. વીઆરએસ લેવાના સમયે તે વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ સેક્રેટરી હતા.

(5:05 pm IST)