મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

ફાઇઝરની વેક્‍સીન ઉપર સવાલો ઉઠયાઃ નોર્વેમાં વેક્‍સીન મુકાવનારા 23 લોકોએ જીવ ગુમાવ્‍યાઃ અત્‍યાર સુધીમાં 33 હજારથી વધુ લોકોને રસી અપાઇ

નોર્વે: કોરોના મહામારીમાંથી છૂટકારો મેળવવા માટે વિશ્વના અનેક દેશોમાં વૅક્સીનેશનનું કામ શરૂ થઈ ચૂક્યું છે. અનેક વૅક્સીન્સને એપ્રૂવલ મળ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે ફાઈઝરની વૅક્સીન પર સવાલ ઉઠવા લાગ્યાં છે. નોર્વેમાં બાયોનટેકની ફાઈઝર કોરોના વૅક્સીન મૂકાવનારા 23 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

નોર્વેમાં ન્યૂ યરના 4 દિવસ પહેલા જ કોરોના વૅક્સીનેશન અભિયાન શરૂ થયું હતુ અને અત્યાર સુધી 33 હજારથી વધુ લોકોને વૅક્સીન મૂકાઈ ચૂકી છે. નોર્વેમાં જે લોકોના મોત થયા છે, તેમાં મોટાભાગના મૃતકો વૃદ્ધ છે. આ તમામ લોકોને વૅક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જે બાદ તેમની તબીયત લથડી હતી.

આ અંગે સરકારનું કહેવું છે કે, જે લોકો બીમાર છે અને વયસ્ક છે. તેમના માટે વૅક્સીનેશન  જોખમી હોઈ શકે છે. મૃતક 23 લોકોમાંથી 13 લોકોનું મોત વૅક્સીનના કારણ જ થયુ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્યના મોતનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

નોર્વેયન મેડિસિન એજન્સી અનુસાર, 13ના અત્યાર સુધી પરિણામ સામે આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, તેમને તાવ અને નબળાઈ જેવી સામાન્ય ફરિયાદ હતી, જે પાછળથી ગંભીર બની ગઈ. જેના કારણે તેમનું મોત થઈ ગયું.

નોર્વેમાં વૅક્સીનેશન બાદ મોતને ભેટનારા લોકો ઘણા જ વૃદ્ધ છે. તમામ મૃતકોની ઉંમર 80 વર્ષની ઉપર છે અને તેમાંથી અનેકની વય તો 90 વર્ષની ઉપર છે. આ તમામ વૃદ્ધોના મોત નર્સિંગ હોમમાં થયા છે.

આ મોત બાદ સરકાર પણ ચિંતિત છે અને સ્વાસ્થ્ય વિભાગે તમામ વૅક્સીનેશન પહેલા દરેક વ્યક્તિની તપાસ કરવી જરૂરી કરી દીધુ છે. પહેલા વૅક્સીનેશન લગાવનારા લોકોની ઓળખ કરવામાં આવશે. જે લોકો ગંભીર રીતે બીમાર છે, તેમને એક-એક કરીને તપાસ કર્યા બાદ જ વૅક્સીન લગાવવામાં આવશે.

(4:55 pm IST)