મુખ્ય સમાચાર
News of Friday, 15th January 2021

અન્નદાતાઓ હવે આરપારની લડાઇના મુડમાં

૨૬ મી જાન્યુઆરીના દિલ્હીના માર્ગો પર જબ્બર ટ્રેકટર રેલી : શાંતિપૂર્ણ આંદોલન અર્થે ભારતિય કિસાન યુનિયન દ્વારા જુસ્સાભેર તૈયારી

નવી દિલ્હી તા. ૧૫ : ખેડુત કાયદાનો વિરોધ હવે ઘેરો બની રહ્યો છે. અન્નદાતાઓ આરપારની લડાઇના મુડમાં આવી ગયા છે. ૫૦ દિવસથી ચાલી રહેલ ખેડુત આંદોલનને સર્વોચ્ચ અદાલતના આદેશ પછી પણ વિરોધ ચાલુ રાખ્યો છે.

ખેડુતોનું કહેવુ છે કે ગણતંત્ર દિવસે અમે ટ્રેકટર માર્ચનો ઐતિહાસિક કાર્યક્રમ આપીશુ. ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના માર્ગોથી લઇને રાજપથ સુધી ટ્રેકટરોની લાઇનો ખડકી દઇશુ.

ગાજીપુર બોર્ડર પર બુધવારે કિસાનોને સંબોધતા ભારતિય કિસાન યુનિયન (બીનરાજકીય)ના રાષ્ટ્રીય પ્રવકતા ચૌધરી રાકેશ ટીકૈતે જણાવેલ કે ખેડુતો હવે આરપારની લઇડાઇના મુડમાં આવી ગયા છે. હજી તો આ શરૃઆત છે. લડાઇ હજુ લાંબો સમય ચાલવાની છે. જયાં સુધી કેન્દ્ર સરકાર ત્રણેય ખેડુત કાનુન પાછા ન ખેંચે  અને એમએસપી પર કાનુન ન બનાવે તેમજ સ્વામિનાથન કમિટિનો રીપોર્ટ લાગુ ન કરે ત્યાં સુધી કિસાન આંદોલન ચાલુ રહેશે.

તેમને જણાવેલ કે ગણતંત્ર દિવસે લાખોની સંખ્યામાં ટ્રેકટર દિલ્હીના રસ્તાઓ ગજાવશે. જો કે અમારૃ આ પુરૃ આંદોલન શાંતિપૂર્ણ રહેશે. આછકલાઇ કરનારને અમે જ આંદોલનમાંથી દુર હડસેલી દેશુ. ખાસ કરીને યુવા ખેડુતો આ શાંતિપૂર્ણ આંદોલનમાં ધૈર્ય દાખવીને બહોળી સંખ્યામાં ભાગ લ્યે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં હટવાનો શ્રી ટીકૈતે ધ્રુજારો વ્યકત કર્યો છે.

ભારતિય કિસાન યુનિયનના રાષ્ટ્રીય અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ માનનું સુપ્રિમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલ સમિતિમાંથી અલગ થઇ જવાની બાબતને લઇને શ્રી ટીકૈતે જણાવ્યુ કે આ જ ખેડુતોની વૈચારીક ક્રાંતિની જીત છે. શ્રી માનને આ આંદોલનમાં સામેલ થવા અમે આમંત્રિત કરીએ છીએ. ખેડુતો માટે આ ખુશીની વાત છે.

પોતાના ગામના ખેતરની માટી સાથે લઇને જોડાશે ખેડુતો

નવી દિલ્હી : ભારતિય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવકતાએ જણાવેલ કે ગામની યાદી સતાવે નહી તે માટે પોતાના ગામના ખેતરની માટી સાથે લઇને ખેડુતો આ આંદોલનમાં સામેલ થશે. ગામો ગામથી આવેલ આ માટીને એક જગ્યાએ ભેગી કરી પુજનિયન સ્થળે રખાશે. પછી પુરા દેશમાં આદાન પ્રદાન કરાશે. બુધવારની આ મહાસભાનું એક અમેરીકી ચેનલે કવરેજ કરેલ અને ૪૨ દેશોમાં પ્રસારણ કર્યુ હતુ.

દિલ્હીના નવા નકોર રસ્તાઓ પર ૫૦ વર્ષ જુના ટ્રેકટરો ઘરેરાટી બોલાવશે

નવી દિલ્હી : ૨૬ મી જાન્યુઆરીની દિલ્હીની ટ્રેકટર રેલીને લઇને દેશના દરેક લોકોનું ધ્યાન ખેંચાયુ છે. ત્યારે ભાકિયુના પ્રવકતા શ્રી ટીકૈતે જણાવેલ કે દિલ્હીના નવા નકોર રસ્તાઓ પર જયારે ૫૦ વર્ષ જુના ટ્રેકટરો દોડતા હશે ત્યારે અલગ જ નજારો જોવા મળશે. ટ્રેકટર ચલાવવા નિવૃત્ત ફોજીઓને ડ્રાઇવીંગ સીટ સોંપાશે. 'અમે જવાન અમે જ કિસાન' ના નારાઓ લગાવી માર્ગો ગજાવાશે. આમ વર્ષો જુના ટ્રેકટરોની ઘરઘરાટી નવોજ નજારો સર્જશે.

(1:32 pm IST)