મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

સરકારી અને કોર્પોરેટ ઓફિસમાં લાગુ પડી શકે છે પાંચ મિનીટનો યોગ બ્રેક

૧પ સંસ્થામાં ટ્રાયલ શરૂ કરાઇઃ આયુષ મંત્રાલયે ટ્રાયલ તરીકે સોમવારે કોર્પોરેટ ઓફીસમાં યોગ બ્રેકનું લોન્ચિંગ કર્યુ

નવી દિલ્હી તા. ૧પ :.. કર્મચારીઓને તણાવમુકત રાખવા માટે બનાવાયેલી પાંચ મિનીટની એકસર્સાઇઝ માટે સરકારી અને કોર્પોરેટ ઓફીસમાં યોગ બ્રેક લાગુ કરાયો છે. મોરારજી દેસાઇ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ યોગે આયુષ મંત્રાલય હેઠળ આ વ્યાયામ કાર્યક્રમને ડીઝાઇન કર્યો છે, તેમાં યોગ નિષ્ણાતોની પણ સલાહ લેવાઇ છે.

આયુષ મંત્રાલયે આ યોગ બ્રેકને ટ્રાયલ તરીકે સોમવારે લોન્ચ કર્યો હતી. મંત્રાલયે જણાવ્યું કે ટાટા કેમિકલ્સ, એકિસસ બેન્ક જેવી ૧પ સંસ્થાઓ આ ટ્રાયલમાં ભાગ લીધો હતો.

આયુષ મંત્રાલયે પહેલાં મોકલેલા પ્રસ્તાવમાં સરકારી સંસ્થાઓ અને અન્ય કોર્પોરેટર સંસ્થાઓને કહયું કે પોતાના ત્યાં આવશ્યક રીતે ૩૦ મિનીટનો યોગ બ્રેક આપે, જેથી કર્મચારીઓ તણાવમુકત  થઇ શકે. ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાઓને આયુષ મંત્રાલયે આ અંગે પત્ર લખ્યો હતો.

મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે યોગ બ્રેક કે વાય બ્રેક યોગનો કોઇ કોર્સ નથી. આ તેનું એક સંક્ષિપ્ત સ્વરૂપ છે. યોગ પર પ્રોટોકોલ તૈયાર કરવાની પ્રક્રિયા ૩ મહિના પહેલાં શરૂ થઇ હતી. યોગ નિષ્ણાતો અને નિયમીત યોગાભ્યાસ કરનારા ૧૦ લોકોના કોર ગ્રુપે તેની રૂપરેખા તૈયાર કરી હતી.

અધિકારીએ કહયું કે કામ દરમિયાન યોગ્ય રીતે બેસવા માટે એક બુકલેટ તૈયાર કરાઇ હતી. અને કોર્પોરેટર ઓફીસોમાં તેના પર આધારિત ફિલ્મ બતાવવાની પણ યોજના છે. તેની અસર તપાસવા ટ્રાયલ લેવાઇ છે. મંત્રાલય કોર્પોરેટર ક્ષેત્રને આ અંગે તમામ જરૂરી સહાયતા આપશે.

(3:55 pm IST)