મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

રાજકીય પક્ષોને મંદી નડતી નથીઃ આવકમાં ૧૬૬%નો વધારો

ભાજપે ૧ વર્ષમાં ખર્ચ કર્યા રૂ. ૧૦૦૦ કરોડ : TMCની આવકમાં ૩૬૦૦% વધારો : ૬ રાજકીય પક્ષોની કમાણી વધીને રૂ. ૩૬૯૮ કરોડ : ૬ પક્ષોની કુલ કમાણીનો ૬૫% હિસ્સો ભાજપ પાસેઃ ભાજપની આવક રૂ. ૨૪૧૦ કરોડ : તૃણમૂલની આવક રૂ. ૫.૧૬૭ કરોડથી વધીને થઇ રૂ. ૧૯૨.૬૫ કરોડ

નવી દિલ્હી તા. ૧૫ : દેશનો વિકાસ દર ભલે ધીમો હોય પરંતુ રાજનૈતિક દળોની કમાણીમાં વર્ષે દર વર્ષે બંપર વધારો થાય છે. હાલના આંકડાના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન રાષ્ટ્રીય રાજનૈતિક દળોની કમાણીમાં ૧૬૬ ટકાનો વધારો થયો છે અને હવે આ દળોની કુલ કમાણી વધીને ૩૬૯૮ કરોડ રૂપિયા પહોંચી છે. કુલ કમાણીના મામલે સૌથી ઉપર બીજેપી છે. જોકે આ વર્ષ દરમિયાન સૌથી વધુ વધારો તૃણમૂલ કોંગ્રેસની કમાણીમાં થયો છે.

૬ રાજનૈતિક દળોની કુલ કમાણી ૩૬૯૮ કરોડમાંથી ૨૪૧૦ કરોડ રૂપિયા એકલા બીજેપીના છે જે દરેક પક્ષોની કુલ કમાણીનો ૬૫.૧૬ ટકા છે. એસોસિએશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મ્સના રીપોર્ટના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ વચ્ચે ૬ રાજનૈતિક દળો (બીજેપી, કોંગ્રેસ, સીપીએમ, બીએસપી, તૃણમૂલ કોંગ્રેસ અને સીપીઆઇ)ની કમાણીમાં ૨૩૦૮.૯૨ કરોડનો વધારો થયો છે. તેમાંથી ૫૨ ટકા એટલે કે ૧૯૩૧.૪૩ કરોડ રૂપિયા ઇલેકટોરલ બોન્ડ દ્વારા આવ્યા છે.  ૨૦૧૪થી કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી બીજેપીએ ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષ દરમિયાન તેમની કુલ આવક ૨૪૧૦.૦૮ કરોડ રૂપિયા ઘોષિત કરી છે. આ રકમમાંથી પક્ષે ૪૧.૭૧ ટકા એકલે કે ૧૦૦૫.૩૩ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે તે ચુંટણી વર્ષ રહ્યું છે.

કોંગ્રેસને એક વર્ષ દરમિયાન ૯૧૮.૦૩ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. જેમાંથી પક્ષે ૫૧.૧૯ એટલે કે ૪૬૯.૯૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. મમતા બેનર્જીની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસની વાત કરવામાં આવે તો તેને એક વર્ષમાં ૧૯૨.૬૫૫ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. જેમાંથી પક્ષે ૧૧.૫૦ કરોડ ખર્ચ કર્યો છે જે કમાણીનો ૫.૯૭ ટકા છે. સીપીએમ નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન તેમની આવક ૧૦૦ કરોડ રૂપિયા ઘોષિત કરી છે અને તેના ૭૫ ટકાથી વધુ ખર્ચ કર્યો છે કે જે ૭૬.૧૫ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં આ હિસાબે દળોની આવક વધી છે.

(3:33 pm IST)