મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

નિર્ભયાના ગુનેગારોને ૨૨મીએ ફાંસી નહિ થાય

મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરીઃ દયાની અરજી ફગાવાય તો પણ ૧૪ દિવસનો સમય મળી શકે

નવી દિલ્હી, તા.૧૫: નિર્ભયા કાંડમાં પીડિતાના પરિવારને ૨૨જ્રાક જાન્યુઆરીએ ન્યાય મળે તેવી આશા ફરી ઠગારી નીવડી શકે છે. દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન દિલ્હી એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષિતોને ૨૨ જાન્યુઆરીએ ફાંસી ન આપી શકાય. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી પર કોઈ નિર્ણય આવ્યાં બાદ દોષિતોને ૧૪ દિવસનો સમય આપવો પડશે.

નિર્ભયા ગેંગરેપના દોષી મુકેશસિંહ ડેથ વોરંટ પર રોક લગાવવાની માગ કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરી છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચ સુનાવણી કરી રહી છે. મુકેશે પોતાની અરજીમાં કહ્યું છે કે દયાની અરજી હાલ રાષ્ટ્રપતિ પાસે છે, ત્યારે ડેથ વોરંટને રદ કરવામાં આવે. આ સાથે જ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આરોપી જે થાય એ કરી લે, પણ હવે આ કેસમાં બધુ સ્પષ્ટ છે.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટેથી કંઈ જ છુપુ રહ્યું નથી. આશા છે કે મુકેશની માંગ ફગાવી દેવાશે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે બે આરોપી મુકેશ અને વિનય શર્માની કયૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે ગત સપ્તાહે તમામ ચાર આરોપીઓ મુકેશ, વિનય, પવન અને અક્ષયનું ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જેમાં તિહાર જેલમાં ફાંસી માટે ૨૨ જાન્યુઆરી સવારે ૭ વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. હવે આરોપીઓ પાસે માત્ર ૭ દિવસ જ બચ્યા છે.

(3:31 pm IST)