મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

હવે સરકારે ઓઇલ કંપનીઓ પાસે ડિવિડન્ડ પેટે 19,000 કરોડ માંગ્યા

રકમમાંથી 60 ટકા રકમ ONGC અને IOC ચુકવશે

અમદાવાદ : કેન્દ્ર સરકારે પોતાની આર્થિક સ્થિતિને સદ્ધર કરવા માટે જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ પાસેથી 19,000 કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ માંગ્યું છે. આ રકમમાંથી 60 ટકા રકમ ONGC અને IOC ચુકવશે તેમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.નાણાં મંત્રાલયે માંગ કરી છે કે તેલ કંપનીઓએ ચાલુ વર્ષે ડિવિડન્ડ ચુકવણી મેન્ટેન કરવી જોઈએ અથવા વધારવી જોઈએ.

 બીજી તરફ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગતવર્ષે નફો ઘટ્યો હોવા છતાં ડિવિડન્ડની માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કંપનીમાં સરકારનો હિસ્સો ઘટ્યો હોવા છતાં સરકાર ઊંચા ડિવિડન્ડની માંગ કરી રહી છે તેવી ફરિયાદ અધિકારીઓએ કરી છે.

  સરકાર તરફથી ONGCને રૂ.6500 કરોડ, ઇન્ડિયન ઓઇલને રૂ.5500 કરોડ, BPCLને રૂ.2500 કરોડ, ગેઇલને રૂ.2000 કરોડ, ઓઇલ ઇન્ડિયાને રૂ.1500 કરોડ અને એન્જીનિયર્સ ઇન્ડિયાને રૂ.1000 કરોડ જેટલું ડિવિડન્ડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. જોકે કંપનીઓ આટલું ઊંચું ડિવિડન્ડ ચૂકવવા સક્ષમ નથી અને રકમને ઘટાડવા માટે સરકાર સાથે વાટાઘાટો કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

  કંપનીઓના અધિકારીઓના જણાવ્યાં અનુસાર સરકારે માંગેલ ડિવિડન્ડ ચૂકવવા માટે ઉધાર લેવું પડે તેવી સ્થિતિ છે. તેઓએ કહ્યું કે તેઓ જેટલી રકમની માંગ કરી રહ્યા છે તે આ વર્ષનાં નફા સાથે સુસંગત પણ નથી. આ વર્ષે એન્જીનિયર્સ ઇન્ડિયા સિવાયની તમામ કંપનીઓએ અર્ધવાર્ષિક નફામાં ખોટ નોંધાવી છે. માર્ચ 2018 પછીથી ONGC (-5%), ઇન્ડિયન ઓઇલ (-5%) અને ઓઇલ ઇન્ડિયા (-6.5%) સહિતની તમામ ઓઇલ કંપનીઓમાં સરકારનો હિસ્સો ઘટ્યો છે પરંતુ તેના ડિવિડન્ડની માંગમાં વધારો થયો છે તેમ અધિકારીઓ જણાવ્યું હતું.

(2:01 pm IST)