મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલની રાય માંગ

મહિલાને પતિ સાથે દાંપત્ય જીવન માટે મજબૂર કરી શકાય ?

નવી દિલ્હી, તા.૧પ : શું મહિલાને પતિની સાથે દાંપત્ય જીવન જીવવા માટે મજબૂર કરી શકાય આ સવાલ પર સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલની રાય માંગી છે. ગયા વર્ષે સુપ્રિમમાં એક કાયદાના વિદ્યાર્થીએ અરજી દાખલ કરીને હિંદુ મેરેજ એકટ અને સ્પેશ્યલ મેરેજ એકટની જોગવાઇઓને પડકારી હતી, જેમાં કહેવાયું હતું કે આ મૌલિક અધિકારનો ભંગ છે. અરજીમાં કહેવાયું છે કે કોઇને પણ કોઇની સાથે રહેવા માટે મજબૂર ન કરી શકાય.

સુપ્રિમ કોર્ટે આ કેસમાં દાખલ અરજી ઉપર કેન્દ્ર સરકારને ગયા વર્ષે નોટીસ મોકલી હતી અને કેસ મોટી બેંચને મોકલી આપ્યો હતો. સુપ્રિમ કોર્ટમાં મંગળવારે સુનાવણી દરમ્યાન જસ્ટિસ રોહિંટન નરીમાનની આગેવાની વાળી ત્રણ જજોની બેંચે એટર્ની જનરલ કે કે વેણુગોપાલ પાસેથી રાય માંગી છે. સુપ્રિમ કોર્ટે અંગતતાને જીવનના અધિકારનો ભાગ માન્યો હતો, પછી એડલ્ટરી અંગે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે મહિલાની અંગત પસંદ તેની ગરિમાનો અધિકાર છે. આ ચૂકાદાઓ પછી સુપ્રિમ કોર્ટમાં દાંપત્ય જીવન ચાલુ રાખવાની જોગવાઇને પડકારવામાં આવી હતી.

હિંદુ મેરેજ એકટની કલમ ૯ મુજબ જો પતિ અથવા પત્નિ કોઇ યોગ્ય કારણ વગર એક બીજાથી અલગ રહી રહ્યા હોય તો બીજો પણ દાંપત્યજીવન ચાલુ રાખવા માટે કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. જો કોર્ટને અરજદારની દલિલોથી સંતોષ થાય તો દાંપત્ય જીવન ચાલુ રાખવાનો હુકમ કરી શકે છે. જેથી છોડી જનાર પાર્ટનરે ફરીથી સાથે રહેવા માટે આવવું પડે છે.

(12:05 pm IST)