મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

હાઈકોર્ટે દિલ્હી પોલીસને કહ્યું- તમે એવું વર્તન કરી રહ્યા છો જાણે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય

દેશના નાગરિકને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર છે

નવી દિલ્હી, તા.૧૫: જામા મસ્જિદ પર નાગરિકતા સુધારણા કાયદાની વિરુદ્ઘ પ્રદર્શન મામલે હાઈકોર્ટે દિલ્હી પોલીસના વલણ પર મંગળવારે નારાજગી વ્યકત કરી હતી. દિલ્હી પોલીસે જયારે કોર્ટને જણાવ્યું કે, કોઇપણ પ્રદર્શન માટે મંજૂરીની જરૂર હોય છે. જેના પર જજ કામિની લાઉએ પોલીસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, કેવી મંજૂરી? તમે એવું વર્તન કરી રહ્યા છો જાણે કે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય. જો જામા મસ્જિદ પાકિસ્તાનમાં છે તો પણ નાગરિક ત્યાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકે છે. લોકો રોડ પર એટલા માટે છે કેમકે જે વાત સંસદમાં થવી જોઇએ... તે ત્યાં થતી નથી.

હાઈકોર્ટ ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદની અરજી પર સુનાવણી કરતા પોલીસને જણાવ્યું હતુ કે, તમે એવું વર્તન કરી રહ્યા છે કે જાણે જામા મસ્જિદ પાકિસ્તાનમાં હોય. જો એવું છે તો તમે ત્યાં પણ જઇને પ્રદર્શન કરી શકો છો. તે અવિભાજિત ભારતનો ભાગ છે.

જસ્ટિસ કામિની લાઉએ જણાવ્યું હતું કે, સંસદમાં જે વાત થવી જોઇએ તે ત્યાં થતી નથી અને તેથી લોકો  રોડ પર આવે છે. આપણી પાસે વિચાર વ્યકત કરવાનો સંપૂર્ણ અધિકાર છે પરંતુ આપણે આપણા દેશનો નાશ કરી શકતા નથી. મને કોઇ એક એવી વસ્તું અથવા કાયદો બતાવો જે આવા પ્રકારના પ્રદર્શનને રોકે છે. હિંસા કયાં છે? કોણ કહે છે કે તમે પ્રદર્શન નથી કરી શકતા.... શું તમે બંધારણનો અભ્યાસ કર્યો છે. પ્રદર્શન નાગરિકનો બંધારણીય અધિકાર છે. કોર્ટ હવે આ મામલે બુધવારે સુનાવણી કરશે.

(12:04 pm IST)