મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

દેશની પાંચમી મુખ્ય બેન્કઃ યશ બેંક બંધ થવાની શકયતા

બેન્ક પાસે માર્ચ સુધીનો સમય, જાતે બંધ થાય અથવા અન્ય બેન્કમાં વિલીન થવાની સ્થિતિ

નવી દિલ્હી, તા.૧૫: દેશની પાંચમી મુખ્ય બેન્ક, યશ બેન્ક હવે બંધ થવાની કગાર પર પહોંચી ગઇ હોવાના અહેવાલ છે. આ ખાનગી બેન્કને બંધ કરવાની જાહેરાત કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેના કરોડો ગ્રાહકોને ભારે નુકસાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

માનવામાં આવી રહ્યું છે, આ અંગે નિર્ણયનો આધાર સંપૂર્ણપણે RBI પર નિર્ભર છે. યશ બેન્ક પાસે માર્ચ સુધીનો સમય છે, જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરી શકે છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ યશ બેન્ક બેડ કોર્પોરેટ લોનમાં ફસાઇ ચૂકી છે, હવે પરિસ્થિતિ એવી છે કે ઇન્સ્ટીટ્યૂશનલ શેરહોલ્ડર્સ બેન્કમાંથી બહાર નીકળી રહ્યા છે. નાના રોકાણકારોને હજુ આશા છે કે બેન્ક ફંડની વ્યવસ્થા કરી લેશે. જયારે બેન્કનું નવુ મેનેજમેન્ટ ફંડ ભેગુ કરવાના તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

રિપોર્ટ મુજબ યશ બેન્ક પાસે માર્ચ સુધીનો સમય છે, જે દરમિયાન તે જાતે જ બંધ થવાની જાહેરાત કરી લે અથવા અન્ય ખાનગી કે સરકારી બેન્કમાં ભળી જાય. જેથી નાના રોકાણકારોની મૂડી અને કર્મચારીઓની નોકરી બચી શકે.

બેન્કની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો તેના શેરની કિંમત વિતેલા ૧૭ મહિનામાં ૮૮ ટકા ઘટી છે.

(11:51 am IST)