મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

મહારાષ્ટ્ર ખૂબ મોટુ રાજય છે : ૩ થી ૪ નાના નાના રાજયો બની શકે તેમ છે

આરએસએસના વયોવૃદ્ધ સીનીયર વિચારક એમ.જી. વૈદ્યના ઉચ્ચારણોની ભારે ચર્ચા

નાગપુર, તા. ૧પ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું કહેવું છે કે મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં વહેંચી શકાય છે. આરએસએસના વિચારક એમ.જી. વૈદ્યે કહ્યું કે, ક્ષેત્રફળ અને વસ્તી અનુસાર દેશના સૌથી મોટા રાજયોમાં સામેલ મહારાષ્ટ્રને ત્રણથી ચાર ભાગમાં વહેંચી શકાય છે.

આરએસએસના ભૂતપૂર્વ પ્રવકતા વૈદ્યે કહ્યું, 'મારો મત છે કે જો મહારાષ્ટ્રની વસ્તી ૧૧-૧ર કરોડ હોય તો તેને ત્રણથી ચાર ભાગોમાં વહેંચી શકાય છે.'

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ૩,૦૭,૭૧૩ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે અને ક્ષેત્રફળની દૃષ્ટિએ તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પછી દેશનું ત્રીજા નંબરનું મોટું રાજય છે.

ર૦૧૧ની વસ્તી ગણત્રી મુજબ મહારાષ્ટ્રની વસ્તી ૧૧.ર કરોડ છે. તે વસ્તી દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ પછીનું બીજા નંબરનું રાજય છે. ઉત્તર પ્રદેશની વસ્તી ૧૯.૯ કરોડ છે. વૈદ્યે ર૦૧૬માં પણ આવોજ મત પ્રગટ કર્યો હતો અને તે સમયે કહ્યું હતું કે, કોઇપણ રાજયની આદર્શ વસ્તી ૩ કરોડ છે અને તેને હાંસલ કરવા માટે નાના રાજયોની રચના કરવાની જરૂર છે.

(11:36 am IST)