મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

ડુંગળી ગોદામોમાં સડી જશેઃ રાજયોને આયાતી કાંદામાં રસ નથી

કેન્દ્રે રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે કાંદા વેચવાની ઓફર કરી છે આ ઉપરાંત, કેન્દ્ર તેને પહોંચાડવાનો ખર્ચ પણ ઉપાડી લેવા તૈયાર છે

નવી દિલ્હી, તા.૧૫: કેન્દ્ર આયાત કરાયેલી ડુંગળી રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે વેચવા અને તેને પહોંચાડવાનો ખર્ચ પોતે ઉઠાવવા તૈયાર હોવા છતાં તેના બહુ જ ઓછા ખરીદનારા મળ્યા છે અને તેથી આયાત કરાયેલા કાંદા સરકારી ગોદામમાં સડી જવાનો ભય સેવાઇ રહ્યો છે.

ગ્રાહકોની બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે કેન્દ્રે રાજયોને કિલોદીઠ રૂપિયા ૫૫ (પંચાવન)ના ભાવે કાંદા વેચવાની ઓફર કરી છે. આ ઉપરાંત, કેન્દ્ર તેને પહોંચાડવાનો ખર્ચ પણ ઉપાડી લેવા તૈયાર છે.

કેન્દ્ર ડુંગળીને આયાત કરી શકે છે, પરંતુ રાજયોએ તેનું છૂટક બજારમાં વેચાણ કરવા અંગે નિર્ણય લેવાનો હોય છે.

દેશમાં ઘણી જગ્યાએ ગયા વર્ષના સપ્ટેમ્બરના અંતે કાંદાના ભાવ વધવાની શરૂઆત થઇ હતી અને ડિસેમ્બરમાં તેનો ભાવ કિલોદીઠ રૂપિયા ૧૭૦ થઇ ગયો હતો.

કેન્દ્રને ડુંગળીના ભાવ નિયંત્રણમાં લેવા માટે તુર્કી અને ઇજિપ્તથી આયાત કરવાની ફરજ પડી હતી.

આમ છતાં, ડુંગળીના નવા ખરીફ પાકના બજારમાંના આગમનથી તેના ભાવમાં થોડો ઘટાડો થયો છે.

રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે અમે ૩૬,૦૦૦ ટન કાંદાની આયાત કરવાનો કોન્ટ્રેકટ આપ્યો છે અને તેમાંની ૧૮,૫૦૦ ટન ડુંગળી ભારત આવી પહોંચી છે. આમ છતાં, રાજયોએ માત્ર ૨,૦૦૦ ટન કાંદા ખરીદ્યા છે. અમને આયાત કરાયેલી ડુંગળી સડી જવાનો ભય સતાવી રહ્યો છે.

આંધ્ર પ્રદેશ, કેરળ, તેલંગણ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સરકારે જ અત્યાર સુધીમાં આયાતી કાંદા કેન્દ્ર પાસેથી ખરીદ્યા છે.(૨૩.૩)

(10:17 am IST)