મુખ્ય સમાચાર
News of Wednesday, 15th January 2020

" સિમ્પોઝિયમ ઓન ગ્લોબલ ટેરરિઝમ " : કેનેડામાં 19 જાન્યુઆરી રવિવારે ઇન્ડો કેનેડિયન કાશ્મીરી ફોરમ તથા ઈન્ડો કેનેડિયન હાર્મની ફોરમના સંયુક્ત ઉપક્રમે થનારો વિચાર વિનિમય : આજથી 30 વર્ષ પહેલા ઇસ્લામી આતંકવાદનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતો સહીત વકરી રહેલા વૈશ્વિક આતંકવાદ અંગે અગ્રણી વક્તાઓ ઉદબોધન કરશે


ટોરન્ટો : કેનેડાના ટોરન્ટોમાં 19 જાન્યુઆરી 2020 ના રોજ " સિમ્પોઝિયમ ઓન ગ્લોબલ ટેરરિઝમ ઇન લાઇટ ઓફ કશ્મીરી હિન્દુ ફોર્સ્ડ એક્ઝોડસ ઇન 1990’ વિષે વાર્તાલાપ તથા ઉદ્દબોધનનું આયોજન કરાયું છે.જેમાં  વૈશ્વિક આતંકવાદ પર ચર્ચા કરવાની સાથે ભારતમાં   કાશ્મીરી પંડિતોની સમસ્યા અંગેનો મુદ્દો મુખ્ય રહેશે. કાશ્મીરી પંડિતોને જે રીતે કટ્ટર ઈસ્લામિક આતંકવાદના લીધે પોતાના દેશમાં જ શરણાર્થી તરીકે રહેવું પડે છે તે વાતને કેન્દ્રમાં રાખીને વર્તમાન સમયમાં વૈશ્વિક કક્ષાએ વધી રહેલા આતંકવાદના મુદ્દા અંગે તજજ્ઞો ચર્ચા વિચાર વિનિમય કરશે.
19 જાન્યુઆરી 1990એ કાશ્મીરમાં પંડિતો પર અત્યાચારનો કારમો અધ્યાય લખાયો હતો. લાખોની સંખ્યામાં પંડિતોને કટ્ટર ઈસ્લામિક આતંકવાદનો સામનો કરવો પડ્યો હતો અને તેઓ તેમના ઘર છોડીને દેશના અલગ અલગ ભાગોમાં શરણ લેવા માટે જતા રહ્યાં હતાં. તેમના પર થયેલા અત્યાચારની આ ઘટનાને 19 જાન્યુઆરીએ 30 વર્ષ થઇ રહ્યા છે ત્યારે તે સંદર્ભે આ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડો કેનેડિયન કાશ્મીરી ફોરમ સાથે ઇન્ડો કેનેડિયન હાર્મની ફોરમ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યું છે.

કાર્યક્રમમાં અગ્રણી વક્તાઓ અમેરિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેન શ્રી  રાજીવ મલ્હોત્રા ,કેનેડાના  પત્રકાર અને લેખક  શ્રી તાહિર અસલમ ગોરા ,ઇન્ટેલિજન્સ ઓફિસર શ્રી ટોમ કવીગીન ,મોટિવેશનલ સ્પીકર શ્રી આચાર્ય ઝન્ઝી નિયો ,લેખક તથા સામાજિક કાર્યકર કાશ્મીરના વતની શ્રી વિદ્યા ભૂષણ ધાર તથા ડો.જગમોહન સાંઘા સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)