મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

‘સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની યોગ્ય સમજ મેળવવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઈ સલાહકાર રાખવો જોઈએ: બાબા રામદેવ

નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં થયેલ હિંસા બાદ થઇ રહેલા પ્રદર્શનને સમર્થન આપ માટે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ JNUમાં ગઇ હતી

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં થયેલી હિંસા બાદ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ રહેલા પ્રદર્શનને સમર્થન આપવા માટે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પહોંચી હતી. દીપિકા આ રીતે JNUમાં ગઈ તે કેટલાક લોકોને પસંદ આવ્યું નહીં અને સોશિયલ મીડિયા પર ખૂબ ખરાબ રીતે ટ્રોલ કરી દીધી. એક્ટ્રેસના આ નિર્ણય પર રાજનીતિ પણ થઈ રહી છે. કેટલાક નેતાઓના નિવેદન બાદ હવે યોગ ગુરુ બાબા રામદેવે દીપિકાને સલાહ આપી છે.

દીપિકા પાદુકોણના JNUમાં ગયા બાદ છપાકનો પણ વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે બાબા રામદેવે કહ્યું કે, ‘સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની યોગ્ય સમજ મેળવવા માટે દીપિકા પાદુકોણે મારા જેવો કોઈ સલાહકાર રાખવો જોઈએ’.

બાબા રામદેવે વધુમાં કહ્યું કે, ‘અભિનયની દ્રષ્ટિએ જોઈએ તો દીપિકા કુશળ છે. પરંતુ સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક મુદ્દાઓનું જ્ઞાન મેળવવા માટે તેણે દેશ વિશે વાંચવુ અને સમજવું પડશે. જ્ઞાન મેળવ્યા બાદ જ તેણે નિર્ણય લેવા જોઈએ. તેણે આ માટે સ્વામી રામદેવ એટલે કે મારા જેવા કોઈ સલાહકાર રાખી લેવો જોઈએ’.

તો તેમણે CAAને સમર્થન આપતા કહ્યું, ‘જે લોકોને CAAનું ફુલ ફોર્મ ખબર નથી, તેઓ આ વિષયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન અને ગૃહ મંત્રી પોતે કહી ચૂક્યા છે કે આ કાયદો કોઈ વ્યક્તિની નાગરિકતા છીનવી લેવા માટેનો નથી, પરંતુ નાગરિકતા આપવા માટે બનાવવામાં આવ્યો છે. તેમ છતાં લોકો વિરોધ કરી રહ્યા છે’.

આ પહેલા છપાકની ડાયરેક્ટર મેઘના ગુલઝારે દીપિકાના JNUમા જવાના નિર્ણયને અંગત ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકો પોતાની જોવાની રીત બદલે અને એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલની લાઈફ પર ફિલ્મ બનાવવાનું કારણ જુએ. મેઘનાએ કહ્યું હતું કે, ‘આપણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રીતે જોવી જોઈએ. કોઈ પોતાની અંગત લાઈફમાં શું કરે છે તેને પ્રોફેશનલ લાઈફ સાથે લેવાદેવા નથી’.

(10:29 am IST)