મુખ્ય સમાચાર
News of Tuesday, 14th January 2020

એલ, આર. ડી મામલે મહિલાઓને ન્યાય આપવા ભાજપના સાંસદ શંભુપ્રસાદ ટુંડીયાએ લખ્યો મુખ્યમંત્રી રૂપાણીને પત્ર

કિરીટ સોલંકી, પૂનમ માડમ બાદ હવે આ દલિત સાંસદ પણ સરકાર સામે મહિલાઓના સમર્થનમાં

 

અમદાવાદ : ભાજપના રાજ્યસભાના સાંસદ અને દલિત સમાજના મહંત શંભુપ્રસાદ ટૂંડિયાએ એલ.આર.ડી મહિલાઓને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે. છેલ્લાં 22 દિવસથી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે એલ.આર.ડી.ની મહિલા ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે ત્યારે મહિલા ઉમેદવારના સમર્થનમાં ભાજપના રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયા ઉતરી આવ્યા છે.

 સાંસદ કિરીટ સોલંકી, પૂનમ માડમ બાદ હવે આ દલિત સાંસદ પણ સરકાર સામે મહિલાઓના સમર્થનમાં આવીને મુખ્યમંત્રીને વિશેષ પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે ઓપન કેટેગરીમાં મેરીટ સાથે આવી ગયા બાદ એસ.સી, એસટી, અને ઓબીસીના ઉમેદવારોને આરક્ષણનો લાભ આપી આર્ટિકલ 16(4) નું રક્ષણ થાય અને બંધારણના અધિકારોનું રક્ષણ થાય તેવો યોગ્ય નિર્ણય કરવામા આવે.

   અત્રે ઉલ્લેખનીય છે કે લોક રક્ષકદળની ભરતીમાં રાજય સરકારના 1/8/2018 ના ઠરાવના કારણે એસ.સી.,એસ.ટી. અને ઓબીસી મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના રાજસભાના સાસંદ શંભુ પ્રસાદ ટુંડિયાએ સીએમને લખેલા પત્રમાં સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ અનામતની જોગવાઈ અનુસાર ઉમેદવારને ન્યાય મળે તેવો ઉલ્લેખ કર્યો છે.

(12:36 am IST)