મુખ્ય સમાચાર
News of Tuesday, 15th January 2019

ભોજનમાં લીલા શાકભાજી મળે તો ૬૩% ભારતીયો નોજવેજ છોડવા તૈયાર

IPSOSના સર્વે મુજબ ભારતીયો ખાવાની પસંદ ખૂબ વિચારીને કરે છે

નવી દિલ્હી તા. ૧૫ : ભારતમાં આજે હજ્જારો લોકો ડાયાબિટીસ જેવા લાઇફસ્ટાઇલ રોગોથી પિડાઇ રહ્યા છે. લોકો આ રોગોથી બચવા માટે તેમની ખાવાની પસંદગી બદલી રહ્યા છે. આવા સમયે એ સંસ્થાનાં સર્વેમાં એવું તારણ આવ્યુ છે કે, ૬૩ ટકા ભારતીય લોકો માંસાહાર બંધ કરીને ઝાડપાન આધારિત ખોરાક (પ્લાન્ટ બેઝડ ફૂડ) પસંદ કરે છે.

IPSOSના એક સર્વે મુજબ ભારતીયો તેમની ખાવાની પસંદ ખૂબ વિચારીને કરે છે. પ્રયોગો કરે છે અને ત્યારબાદ એક પસંદમાંથી બીજી પસંગ તરફ જાય છે.

આ અહેવાલમાં જણાવાયુ છે કે, સૌ જાણે છે કે, ભારતીયો ખાવાનાં શોખીન છે. એમાય નોન-વેજમાં તંદુરી ચિકન, મટન અને ફિશ હોય તો મઝા જ પડી જાય. પણ આ નવા અભ્યાસમાં એવું તારણ આવ્યુ કે, ૬૩ ટકા ભારતીય માંસાહારમાંથી શાકાહાર બનવા ઇચ્છે છે અને ખાસ કરીને લીલોતરી ખાવાની તેમની પસંદગી છે. એટલે કે, તેમને જો લીલોતરી ખાવા મળે તો તેઓ માંસાહાર છોડવા તૈયાર છે.

આ સર્વેમાં એવું પણ તારણ આવ્યુ છે કે, ૫૭ ટકા ભારતીયોએ એવો દાવો કર્યો કે, તેઓ સજીવ પેદાશો (ઓર્ગેનિક ફૂડ) ખાય છે. જયારે વિકસીત દેશોમાં સજીવ પેદાશોનું ચલણ ઓછુ છે. બ્રિટનમાં માત્ર ૧૨ ટકા અને ૧૩ ટકા જાપાનીઝ લોકો સજીવ પેદાશો ખાય છે.આ સંસ્થાએ ઓગસ્ટ ૨૪ થી સપ્ટેમ્બર ૭ (૨૦૧૮)માં આ સર્વે હાથ ધર્યો હતો. વિશ્વનાં ૨૯ દેશોને આ સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા. ભારતમાં આ સંસ્થાએ ૧૦૦૦ લોકોનાં અભિપ્રાય લીધા હતા.

(3:38 pm IST)