મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

નકલી સીબીઆઈ અધિકારી બની રમકડાંની બંદૂકથી મણિપુરના મુખ્યમંત્રીના ભાઈનું અપહરણ : પાંચ આરોપીઓની ધરપકડ

સીએમના ભાઈ તોંગબ્રામ લુખોઈ સિંહ અને તેના સહયોગીનું ઘરમાં ઘુસી અપહરણ: 15 લાખની ખંડણી માંગી

કોલકાતા : નકલી સીબીઆઈ અધિકારી બની રમકડાંની બંદુકથી મણિપુરના મુખ્યમંત્રીના ભાઈનું અપહરણ કરતા સનસનાટી મચી જવા પામી હતી પોતાને સીબીઆઈના અધિકારી બતાવી પાંચ લોકો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ભાઈ તોંગબ્રામ લુખોઈ સિંહના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા અને તેમનું અપહરણ કરી લીધું હતું. પોલીસે આ જાણકારી આપી હતી. જોકે પોલીસે થોડાક કલાકોમાં જ તેમને છોડાવ્યા હતા અને પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

  પોલીસે જણાવ્યું હતું કે પાંચ લોકો રમકડાંની બંદુક લઈને ન્યુ ટાઉન વિસ્તારમાં લુખોઈ સિંહના ભાડાના મકાનમાં ઘુસી ગયા હતા. તેમણે સીએમના ભાઈ અને એક સહયોગીનું અપહરણ કરી લીધું હતું. આ પછી આરોપીઓએ લુખોઈ સિંહની પત્નીને ફોન કર્યો હતો અને 15 લાખ રુપિયાની ખંડણી માંગી હતી.
  એક વરિષ્ઠ પોલીસ અધિકારીના મતે તોંગબ્રામ લુખોઈ સિંહની પત્નીની ફરિયાદ પર પોલીસ હરકતમાં આવી હતી. જેમાં સાંજે જ બંનેને છોડાવ્યા હતા અને મધ્ય કોલકાતાના બનિયાપુકુરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓમાં બે મણિપુરના, બે કોલકાતાના અને એક પંજાબનો રહેવાસી છે. આરોપીઓના રહેઠાણ પર છાપામારી દરમિયાન તેમની પાસેથી બે વાહન, ત્રણ રમકડાંની બંદુક અને બે લાખ રુપિયા રોકડા મળી આવ્યા હતા.
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ પૈસા માટે અપહરણ લાગે છે. આરોપી મણિપુરના કોઈ વ્યક્તિ માટે કામ કરી રહ્યા હતા. તે જ વ્યક્તિએ આ ષડયંત્ર રચ્યું છે. પોલીસ પાંચેયની પુછપરછ કરી રહી છે. કોલકાતાના બે આરોપીઓનો પહેલા પણ અપરાધિક રેકોર્ડ છે.

(11:24 pm IST)