મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

નાગરિકતા બિલ વિરુદ્ધ AIMIMના અધ્યક્ષ ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી : 18મીએ સુનાવણી

આસામના વિપક્ષના નેતા દેબબ્રત સાકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે પણ અરજી દાખલ કરી

નવી દિલ્હી : નાગરિકતા સંશોધન બિલની વિરુદ્ધ દેશના અનેક રાજ્યોમાં વિરોધની આગ ભભૂકી છે ત્યારે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઓવૈસીના વકીલ નિજામા પાશાએ તેની જાણકારી આપી છે. ઓવૈસી ઉપરાંત આસામના વિપક્ષના નેતા દેબબ્રત સાકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે પણ અરજી દાખલ કરી છે

   આ ઉપરાંત મારિયાના વિધાનસભા બેઠકથી ધારાસભ્ય રૂપજ્યોતિ કુર્મીએ પણ સુપ્રીમ કોર્ટમાં નાગરિકતા બિલ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નોંધનીય છે કે, ઓવૈસીએ સંસદમાં આ નાગરિકતા બિલનો વિરોધ કરતા બિલની કોપીને ફાડી દીધી હતી.

તેઓએ કહ્યું હતું કે આ બિલ દેશને વહેંચનારું છે, અને બંધારણની મૂળ ભાવનાઓની વિરુદ્ધ છે. ઓવૈસીએ કહ્યું હતું કે આ બિલ મુસ્લિમને સ્ટેટલેસ બનાવવા જેવું છે અને દેશની સુરક્ષા માટે પણ ખતરો બની શકે છે. નોંધનીય છે કે, નાગરિકતા બિલ વિરુદ્ધ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં 18 ડિસેમ્બરે સુનાવણી થઇ શકે છે.

(7:47 pm IST)