મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

તમિલનાડુમાં દેવામાં દબાયેલા બે પરિવારોના નવ લોકોની આત્મહત્યા

એક દંપતી પ્રતિબંધિત ત્રણ નંબરની લોટરીમાં લાંબા સમયથી પૈસા લગાવી રહ્યા હતા, જેથી તેમને ૩૦ લાખ રૂપિયાનું દેવું થયું હતું, દેવમાં ડૂબેલા દંપતીએ પહેલા પોતાના ત્રણ બાળકોને સાઈનાઈડ ખવડાવ્યા બાદ પોતે સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી

ચેન્નાઇ, તા.૧૪: તમિલનાડુમાં  શુક્રવારે હચમચી જવાય એવી ઘટના બની હતી. તમિલનાડુમાં બે પરિવારના  નવ લોકોએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસના  જણાવ્યા પ્રમાણે વિલ્લુપુરમ જીલ્લામાં એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી પદાર્થ આઈનાઈડ ખાવાથી મોતને ભેટ્યા હતા. જયારે ડિંડીગુલ જિલ્લામાં એક પરિવારના ચાચ લોકોએ ટ્રેન સામે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

સૂત્રો પાસેથી મળતી મહિતી પ્રમાણે વિલ્લુપુરમ જિલ્લામાં એક દંપતી પ્રતિબંધિત ત્રણ નંબરની લોટરીમાં લાંબા સમયથી પૈસા લગાવી રહ્યા હતા. જેથી તેમને ૩૦ લાખ રૂપિયાનું દેવું થયું હતું. દેવમાં ડૂબેલા દંપતીએ પહેલા પોતાના ત્રણ બાળકોને સાઈનાઈડ ખવડાવ્યા બાદ પોતે સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી હતી. આ દ્યટના વિલ્લુપુરમ જિલ્લામાં સિથેરીકરાઈ વિસ્તારના સલામત નગરની છે.

આ ઘટનામાં મૃતકોની ઓળખ ૩૩ વર્ષીય અરુણ કુમાર, ૨૬ વર્ષીય પત્ની શિવગામી, પાંચ વર્ષની પ્રિયદર્શિની, ત્રણ વર્ષની યુવાશ્રી અને નવ મહિનાની ભારતી તરીકે થઈ હતી. અરુણે સાઈનાઈડ ખાતા પહેલા પોતાના મોબાઈલમાં એક વીડિયો કિલપ બનાવી હતી.

જેમાં અરુણ આ પગલું કેમ ભરે છે એ જણાવ્યું હતું. ત્યારબાદ તેણે આ કિલપ પોતાના મિત્રોને વોટ્સએપ ઉપર મોકલી હતી.તેણે વીડિયો કિલપમાં જણાવ્યું હતું કે, તેણે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા છે. તે ૩૦ લાખ રૂપિયાથી વધારેનુ નુકસાન ઉઠાવી ચૂકયા છે. બીજી ઘટના ડિંડીગુલ જિલ્લાની છે જયાં કોડાઈ રોડ સ્ટેશન ઉપર એક ટ્રેન  સામે ચાર લોકોએ કૂદીને આત્મહત્યા કરી હતી. રેલવે પાટા ઉપર તેમના શરીરના ટૂકડા વિખેરાયેલા પડ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાં ૪૯ વર્ષીય ઉથિરાપાથી, ૪૦ વર્ષીય સંગીતા, ૧૫ વર્ષીય અભિન્યાશ્રી અને ૧૨ વર્ષીય આકાશનો સમાવેશ થાય છે. આ તમામ વોરાઈયુર વિસ્તારના રહેવાસી હતા.

(3:24 pm IST)