મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

યુપીમાં ઠંડી રેકોર્ડ તોડે છેઃ પાક બરબાદઃ ૬ના મોત

વરસાદ અને કરા પડતા ખેડૂતો ચિંતામાં: કાતિલ ઠંડી પણ શરૂ

લખનૌ તા. ૧૪: ઉત્તર પ્રદેશમાં બુધવાર અને ગુરૂવારે પડેલા છાંટા પછી શુક્રવારે મોસમ બગડી ગઇ હતી. વરસાદ અને ઘણાં જીલ્લાઓમાં કરા પડવાના કારણે રાજયમાં ઠંડીની લહેર શરૂ થઇ ગઇ છે. બસ્તી ૭ ડીગ્રી સે. ઉત્તર પ્રદેશનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ડીસેમ્બરની ઠંડીએ કાનપુરમાં ૧૯ જયારે મેરઠમાં રર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

હરદોઇમાં વીજળી પડવાથી બે માસુમો સહિત ત્રણના મોત થયા હતા. ફરૂખાબાદમાં ખેતરની રખેવાળી કરતા ખેડૂતનું મોત થયું હતું. તો અમરોહા જીલ્લાના ભૈંસરોમી ગામમાં એક બુઝુર્ગનું મોત છાપરા નીચે દબાવાના કારણે થયું હતું. એટામાં એક ખેડૂત ઝાડ નીચે દબાઇ જતા મૃત્યુ પામ્યો હતો. ઘણા જીલ્લાઓમાં થાંભલાઓ પડી જતા વીજ પુરવઠો ખોરવાયો છે. વરસાદના કારણે વેસ્ટ યુપીના ઘણા જીલ્લાઓમાં પાકને નુકસાન થયું છે.

બુંદેલખંડ સહિત મધ્ય યુપીના લગભગ બધા જીલ્લાઓમાં ઠંડી હવા, વરસાદ અને કરા પડવાથી હવામાન બગડયું હતું. કાનપુરમાં બે દિવસથી વરસાદની આવન જાવનથી ઠંડીએ ૧૯ વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મેરઠમાં ડીસેમ્બરમાં થયેલા વરસાદનો રર વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે. શુક્રવારે સાંજ સુધીમાં ત્યાં ૪૧ મી.મી. વરસાદ નોંધાયો છે. તો સહરાનપુર, મુઝફફરનગર, બિજનૌર, બાગપત, શામલીમાં પણ વરસાદ અને કરાની સાથે ઝડપી પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. ત્યાં ઠંડી વધી ગઇ અને વીજ લાઇનોમાં ફોલ્ટ આવવાથી વીજ પુરવઠો ઠપ થઇ ગયો હતો.

મુરાદાબાદમાં ર૪ કલાકમાં સૌથી વધારે ૮૯.ર મીમી વરસાદ થયો હતો. વાંસામાં બીઇઓ ઓફીસ ઉપર વીજળી પડવાથી એક કર્મચારી દાઝી ગયો હતો. મુરાદાબાદ અને અમરોહામાં થોડી થોડી વારે આવતા પવન અને વરસાદની સાથે કરા વૃષ્ટિથી ઘઉંના પાકને ભારે નુકશાન થયું હતું. અમરોહા ખેતી વિભાગ અનુસાર અહીં તલ અને શાકભાજીનો ર૬ હજાર હેકટરનો પાક સંપૂર્ણપણે બરબાદ થઇ ગયો છે. હવામાન વિભાગના ડાયરેકટર જે. પી. ગુપ્તાએ જણાવ્યું કે વરસાદ અને તેજ હવાઓ રવિવાર સુધી ચાલશે. તેમણે ઘણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ થવાનો અંદેશો વ્યકત કર્યો હતો.

(11:45 am IST)