મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

૧૬૦ અબજ ડોલરની ચાઇનીઝ આયાત પર અમેરિકા ટેરિફ લાગુ નહીં કરે

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વોરથી વૈશ્વિક બજારોમાં એક સમયે ભારે ઊથલપાથલ સર્જાઈ હતી, પરંતુ હવે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી બન્ને દેશોને ફાયદો થઈ રહ્યો છે અને સાથે જ વૈશ્વિક બજારોમાં પણ ફૂલગુલાબી તેજી શરૂ થઈ છે

વોશીંગ્ટન, તા.૧૪: (જી.એન.એસ.) અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ-વોરથી વૈશ્વિક બજારોમાં એક સમયે ભારે ઊથલપાથલ સર્જાઈ હતી, પરંતુ હવે બન્ને દેશો વચ્ચે થયેલી સમજૂતીથી બન્ને દેશોને ફાયદો થઈ રહ્યો છે અને સાથે જ વૈશ્વિક બજારોમાં પણ ફૂલગુલાબી તેજી શરૂ થઈ છે. દુનિયાભરનાં બજારો જેના પર નજર લગાવીને બેઠાં હતાં એ અમેરિકા-ચીન વચ્ચે પ્રથમ ચરણની ટ્રેડ ડીલ પર સહમતી થઈ ગઈ છે અને એનાથી બન્ને દેશો વચ્ચે છેલ્લા ૧૭ મહિનાથી ચાલી રહેલી ટ્રેડ-વોર સમાપ્ત થઈ છે. અમેરિકન મીડિયાએ જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ ડીલ પર સહી કરી દીધી છે.

અગાઉની શરતો પ્રમાણે ૧૬૦ અબજ ડોલરની ચાઇનીઝ આયાત પર ૧૫ ડિસેમ્બરથી લાગુ થતી પ્રસ્તાવિત અમેરિકન ટેરિફ લાગુ નહીં થાય. જે પ્રોડકટ પર ડ્યુટી લદાવાની હતી એમાં કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ અને રમકડાં સામેલ હતાં, એટલું જ નહીં, ચીનથી આવનારા સામાન પર પહેલાંથી લાગુ ડ્યુટીમાં પણ ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે. જોકે ડીલ પ્રમાણે ચીને આગામી વર્ષથી અમેરિકાથી ૫૦ અબજ ડોલરની કૃષિ પેદાશો અને અન્ય વસ્તુઓની ખરીદી કરવી પડશે.

(11:44 am IST)