મુખ્ય સમાચાર
News of Saturday, 14th December 2019

પૂર્વોત્તરમાં ભારે હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો શિલોંગ પ્રવાસ રદ

આજે ઝારખંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઝંઝાવતી પ્રચારમાં : શિલોંગ કાર્યક્રમને રદ કરવાને લઇ ભારે સસ્પેન્સની સ્થિતિ

નવીદિલ્હી, તા. ૧૩ : નાગરિક સુધારા બિલને લઇને છેડાયેલા વિવાદનો ઉકેલ આવી રહ્યો નથી. પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના શિલોંગ કાર્યક્રમને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. તેઓ નોર્થઇસ્ટ પોલીસ એકેડેમીમાં ભાગ લેવા જનાર હતા. જો કે, મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. પ્રવાસને રદ કરવા માટે કોઇ નક્કર કારણ આપવામાં આવ્યા નથી. અમિત શાહ આવતીકાલે અને સોમવારના દિવસે ઝારખંડમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરનાર છે. તેમના પ્રવાસને રદ કરવા માટેના કારણ દર્શાવવામાં આવ્યા નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, ઉત્તર પૂર્વીય રાજ્યોમાં તંગદિલીના પરિણામ સ્વરુપે ગૃહમંત્રાલય દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. બુધવારના દિવસે નાગરિક સુધારા બિલ પાસ થયા બાદથી ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તંગદિલીની સ્થિતિ જોવા મળી રહી છે. નાગરિક સુધારા બિલ પાસ થયા બાદથી હિંસા જારી છે જેના ભાગરુપે મેઘાલય અને આસામમાં ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે.

                   દરમિયાન આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલે કહ્યુ છે કે રાજ્યમાં હિંસામાં ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને અન્ય સ્થાનિક સંગઠનોની સંડોવણી છે. મેંઘાલય અને આસામના કેટલાક ભાગોમાં સંચારબંધી જારી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહની અપીલ બાદ ત્રિપુરામાં દેખાવો ખતમ થઇ ગયા છે પરંતુ ઇન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી છે. આસામમાં તો તમામ સ્કુલ અને કોલેજોને ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હોવા છતાં તેની અસર દેખાઇ નથી. પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી હોવા છતાં પણ સંચારબંધીનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે. દેખાવકારોએ ગઇકાલે મોડી રાત્રે યાત્રીઓથી ભરેલી એક ટ્રેનને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આસામમાં હિંસામાં બે લોકોના મોત થઇ ચુક્યા છે.

 

(12:00 am IST)