મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

માલ્યાની તમામ સંપત્તિ ફ્રીઝ કરવા બ્રિટીશ કોર્ટનો આદેશ

ભારતીય બેંકોની લોનની રકમ કુટુંબીજનોના નામે કરી હોવાથી માલ્યાનો કેસ ઢીલો પડયો પણ પ્રત્યાર્પણ મુશ્કેલ

રાજકોટ, તા.૧૪ : ભારતીય બેંકોની નવ હજાર કરોડથી પણ વધુ લોનની છેતરપિંડીના કેસમાં વિજય માલ્યાની મુશ્કેલઓ વધી ગઈ છે. ભારત સરકાર માલ્યાનું પ્રત્યાર્પણ કરાવવામાં સફળ થાય એવી શકયતા ઓછી છે, પરંતુ બ્રિટીશ કોર્ટે માલ્યાની સંપત્તિ ફ્રીઝ કરવાનો હુકમ કર્યો છે. આ સંપત્તિમાં માલ્યાની વિશ્વભરમાં ફેલાયેલી દોઢ અબજ ડૉલરની સંપત્તિનો સમાવેશ થાય છે.

યુકે હાઈકોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો પ્રમાણે, ભારત સરકારે માલ્યા વિરૂદ્ઘ કરેલા છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસની સુનવણી આવતા વર્ષે ૧૧મી એપ્રિલે થવાની છે. ત્યાં સુધી કોર્ટે માલ્યાની કરોડોની સંપત્તિ ફ્રીઝ કરવાનો હુકમ કર્યો છે. જોકે, આ હુકમનો અમલ એપ્રિલ ૨૦૧૮ સુધી જ થઈ શકશે એવી પણ બ્રિટીશ કોર્ટે સ્પષ્ટતા કરી છે.

માલ્યાએ બેંકો પાસેથી લીધેલી લોનની રકમ પત્ની અને સંતાનોના નામે કરી દીધી હોવાથી બ્રિટીશ કોર્ટમાં તેમની વિરૂદ્ઘનો કેસ ઢીલો પડયો હતો. જોકે, આ સ્થિતિમાં પણ માલ્યાને કાયદેસર પ્રત્યાર્પણ કરીને ભારત લાવવાની શકયતા ઘણી ઓછી હોવાનું કાયદા નિષ્ણાતોએ જણાવ્યું હતું.

આ દરમિયાન માલ્યાએ પ્રત્યાર્પણ મુદ્દે ભારતીય તપાસ એજન્સી સીબીઆઈની નિષ્પક્ષતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. આ મુદ્દાની રજૂઆત વખતે માલ્યાએ એનડીએ સરકાર દ્વારા સીબીઆઈના ખાસ નિર્દેશક તરીકે રાકેશ અસ્થાનાની વરણીનો મુદ્દો પણ રજૂ કર્યો હતો. આ માટે માલ્યાના વકીલોએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જ આધાર લીધો હતો. એટલું જ નહીં, તેમણે ભારતીય અદાલતો સામે પણ શંકા વ્યકત કરી હતી.

(4:03 pm IST)