મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

નરેન્દ્રભાઇએ કોમનમેન બની કર્યું મતદાનઃ ઉભા રહ્યા લાઇનમાં

મોટાભાઇના ચરણ સ્પર્શ કરી લીધા આશિર્વાદઃ બુથ બહાર 'મોદી - મોદી'ના નારા : જોવા મળ્યો રોડ-શો જેવો નજારો

અમદાવાદ તા. ૧૪ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છેલ્લાં તબક્કાના વોટિંગ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇએ પણ પોતાનો મત આપ્યો. પીએમ વોટ આપવા માટે દિલ્હીથી ગુજરાત પહોંચ્યા હતા. પીએમ એ લાઇનમાં ઉભા રહી કોમનમેનની જેમ વોટ આપ્યો હતો. વોટ આપ્યા બાદ પીએમ જયારે શાહી લગાવીને આંગળી દેખાડવા બુથમાંથી બહાર નીકળ્યા તો ત્યાં હાજર સામાન્ય પ્રજાએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. વોટ આપ્યા બાદ પીએમ એ પોતાના મોટાભાઈના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પણ લીધા હતા.

પીએમએ સાબરમતીના રાણીપ વિસ્તારના બુથ નંબર ૧૧૫ પર મત આપ્યો. લોકોને પહેલેથી જ ખબર હતી કે પીએમ મોદી રાણીપમાં મત આપવા પહોંચશે. તેના લીધે પોલિંગ બુથની આસપાસ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ વોટ આપ્યા બાદ બહાર નીકળ્યા તો લોકોનું અભિવાદન ઝીલવાનું શરૂ કરી દીધું હતું.

પોલિંગ બુથની બહાર જ પીએમ મોદીના મોટાભાઈ સોમ મોદી પણ બીજા લોકોની સાથે ઉભા હતા. પીએમ મોદીએ મોટાભાઇને પગે લાગી તેમના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ આંગળીમાં લાગેલી શાહીને દેખાડતા પીએમ મોદી ત્યાં હાજર લોકોની ભીડ તરફ આગળ વધ્યા. ભીડમાં વ્હીલચેર પર બેઠેલા એક વ્યકિતની નજીક પહોંચી પીએમ એ તેમના ખબરઅંતર પણ પૂછ્યા. રાણીપમાં જ પીએમ મોદીના ભાઇ સોમ મોદી રહે છે અને પીએમ મોદીના મતદાન કાર્ડ પર તેમના ઘરનું જ સરનામું છે.

ગુજરાતમાં પીએમ મોદીની લોકપ્રિયતાની એક ઝલક ગુરૂવારના રોજ પણ જોવા મળી. પીએમ મોદી વોટિંગ બાદ પોતાની ગાડીના દરવાજા પર ઉભા રહીને લોકોની ભીડ વચ્ચેથી પસાર થવા લાગ્યા. તદ્દન રોડ શો જેવો માહોલ હતો. રસ્તાની બંને બાજુ આસપાસના મકાનો અને બીજા ભવનો પર લોકો મોટી સંખ્યા હાજર હતા. આ મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.

આમ આજે વહેલી સવારે છેલ્લાં તબક્કાનું વોટિંગ શરૂ થયા બાદ તરત જ મોદીના માતાએ પણ વોટિંગ કર્યું હતું. પીએમ મોદીના માતા હીરાબા એ ગાંધીનગરના પોલિંગ બુથ પર વોટિંગ કરવા પહોંચ્યા હતા. વોટિંગ કર્યા બાદ હીરાબા ખુશ દેખાઇ રહ્યાં હતા.

(3:57 pm IST)