મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

મેડિકલ સ્ટોર પણ એર-કંડીશન્ડ હોવો જોઇએ

ચોક્કસ પ્રકારની દવાઓ માટે ૨૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન રાખવું જરૂરી

મુંબઇ તા. ૧૪ : એન્ટિ-બાયોટિકસ, રોજિંદી જિંદગીને કારણે થતી બીમારીઓ માટે લેવામાં આવતી દવા તેમજ શેડયુલ્ડ દવા રાખવા માટે દવાની દુકાનોમાં આશરે પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોવું જરૂરી છે. એવો નિર્દેશ અન્ન અને ઔષધ પ્રશાસને આપ્યો છે. આ નિયમનો અન્ન અને ઔષધ નિયમાવલિમાં સમાવેશ હોવા છતાં એનું પાલન થતું ન હોવાથી આ નિર્દેશ આપવામાં આવ્યો છે.

દવામાં કવોલિટી, રાસાયણિક બદલ અને સંયોજનોનો વિચાર કરીને એસી દ્વારા દુકાનનું તાપમાન સ્થિર રાખવું દવા - વિક્રેતાઓ માટે ફરજીયાત હોવાનો સ્પષ્ટ નિર્દેશ અન્ન અને ઔષધ પ્રશાસને આપ્યો છે.

અન્ન અને ઔષધ પ્રશાસનના કમિશનર પલ્લવી દરાડેએ કહ્યું હતું કે, 'દવા કેવી રીતે મૂકવી, કયાં તાપમાનમાં દવાની કવોલિટી યોગ્ય રીતે સંરક્ષિત રહે એના નિયમ પહેલેથી જ છે. ફકત એનું પાલન થતું નથી. એને જ યાદ કરાવવા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નિયમ બધા જ માટે સરખો છે અને એ કોઇના માટે બદલાશે નહિ.'

સાર્વજનિક હોસ્પિટલોમાં દવાની દુકાનમાં એસી મોટા ભાગે હોતું નથી અને એના પર કાર્યવાહી પણ કરવામાં આવતી નથી, જ્યારે પ્રાઇવેટ દવાવિક્રેતાઓ પર જ નિયમ લાગુ કેમ પડે એવો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો છે. દવા પર આપવામાં આવતી છૂટ, જગ્યાની કિંમત, જેનેરિક દવાને કારણે ઓછો થયેલો નફો વગેરેને કારણે દવાના વેચાણનો ધંધો હવે માફક નફો આપનારો ધંધો ન રહ્યો હોવાની વ્યથા અમુક દવાવિક્રેતાઓએ વ્યકત કરી છે. અન્ન અને ઔષધ પ્રશાસનના અધિકારી દ્વારા ફ્રિજ, એસીનું તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ નહી હોય તો પરવાનગી રદ્દ કરવાનો ડર બતાવવામાં આવે છે એવી ફરીયાદ પણ દવાવિક્રેતાઓએ કરી છે. રાજ્યના ગ્રામીણ ભાગમાં લોડશેડિંગને કારણે આવા સ્થળોએ દવાની દુકાનમાં એસી હોવા છતાં એનો ઉપયોગ થઇ શકતો ન હોવા પર દવાવિક્રેતાઓએ ધ્યાન દોર્યું છે.

(11:54 am IST)