મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

હુ..હુ..હુ.. માઉન્ટ આબુમાં ૧ ડીગ્રીઃ નખ્ખી લેઇક થીજી ગયુ

રાજસ્થાનમાં આવેલા અને ગુજરાતના લોકપ્રિય હિલ સ્ટેશન ઉપર કાતિલ ઠંડીઃ નખ્ખી લેઇક ઉપર બરફના થર જામી ગયાઃ માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડયાઃ જનજીવનને અસરઃ રાજસ્થાનમાં વધ્યો ઠંડીનો પ્રકોપ

માઉન્ટ આબુ તા.૧૪ : જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમપાત થતા તેની અસર રાજસ્થાનના રણમાં પણ જોવા મળી છે. સમગ્ર રાજસ્થાન થરથર કાપી રહ્યુ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં નખ્ખી લેઇક થીજી ગયુ છે. સવારે જયારે લોકો ઘરની બહાર નીકળ્યા તો તેઓની ગાડી ઉપર બરફ જામી ગયો હતો. ઘરની બહાર ડોલમાં રાખેલુ પાણી પણ બરફ થઇ ગયુ હતુ. આબુમાં દિવસનું તાપમાન ૧૮ ડીગ્રી હતુ તો ન્યુનતમ તાપમાન એક ડીગ્રી થઇ ગયુ છે.

રાજસ્થાનમાં સામાન્ય રીતે ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં તાપમાન ૧ ડીગ્રી સુધી તુટે છે પરંતુ આ વખતે હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં બરફ પડતા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં પારો ૧ ડીગ્રી થઇ ગયો છે. ઠંડા પવનો ઉત્તર ભારતથી ફુંકાતા નખ્ખી લેઇક થીજી ગયુ છે. માઉન્ટ આબુ પ્રખ્યાત હિલ સ્ટેશન છે અને ત્યાં ઠંડીનું જોર વધતા તેની મજા લેવા પ્રવાસીઓ ઉમટી પડયા છે. હોટલો અને ગરમ વસ્ત્રોના વેપારીઓને તડાકો પડી ગયો છે.

માઉન્ટ આબુમાં ઠંડી વધતા સવારે ૧૦ વાગ્યા બાદ બજારો ખુલે છે અને સાંજે પણ દુકાનો વહેલી બંધ થઇ જાય છે. નખ્ખી લેઇકમાં બરફ જામી જતા બોટીંગ બંધ કરવામાં આવ્યુ છે. આજે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. હજુ ઠંડી વધવાની આગાહી છે.

રાજસ્થાનમાં જેસલમેરથી લઇને શ્રીગંગાનગર સુધી અને જયપુરથી લઇને અજમેર સુધી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. કાતિલ ઠંડી અને ધુમ્મસને કારણે રાજયના અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પડી છે. (૩-પ)

(10:10 am IST)