મુખ્ય સમાચાર
News of Thursday, 14th December 2017

પ્રચાર પડઘમ શાંત થયા પછી હાર્દિક કર્યું ડોર - ટુ - ડોર કેમ્પેઇન

ડોર-ટુ-ડોર મીટીંગ કરીને સમાજના લોકોને મળ્યા અને ચૂંટણીમાં તેમનું સમર્થન માંગ્યુ હતુ

નવી દિલ્હી તા. ૧૪ : આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે સાંજે અમદાવાદના પાટીદાર બહુમત ધરાવતા વિસ્તારોમાં જઈને તેના સમર્થકો સાથે વાતચીત કરી હતી અને મોટી સંખ્યામાં લોકો સાથે મુલાકાત કરી હતી.

હાર્દિકે બાપુનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરીને પોતાના આ ડોર-ટુ-ડોર કેમ્પેઈનની શરુઆત કરી હતી. ત્યારપછી ઠક્કરબાપા નગર અને બાપુનગર મતવિસ્તારમાં સમાજના લોકો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૫ના રોજ પાટીદાર અનામત આંદોલન પછી થયેલા ઘર્ષણમાં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી.

આ ઘર્ષણ દરમિયાન મૃત્યુ પામેલ શ્વેતાંગ પટેલના માતા પ્રભાબેન પટેલ સાથે પણ હાર્દિક મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્વેતાંગ પટેલ અને અન્ય પાસ નેતાઓનો કેસ લડી રહેલા એડવોકેટ બી.એમ.મંગુકિયા ઠક્કરબાપા નગરની બેઠક પર લડી રહ્યા છે. અમદાવાદ પાસના કન્વીનર જયેશ પટેલે જણાવ્યું કે, અમે ડોર-ટુ-ડોર મીટિંગ કરીને સમાજના લોકોને મળ્યા અને ચૂંટણીમાં તેમનું સમર્થન માંગ્યુ હતુ.

પાસના અન્ય એક કન્વીનર ધાર્મિક માલવિયાના જણાવ્યા અનુસાર પાસના અમુક સમર્થકોની નિકોલ પોલીસે અટકાયત કરી હતી. આ લોકો પેમ્ફલેટ વહેંચી રહ્યા હતા. જો કે પાસના કાર્યકરોએ વિરોધ કરતા આ યુવાનોને છોડી દેવામાં આવ્યા હતા.(૨૧.૬)

(9:27 am IST)