મુખ્ય સમાચાર
News of Thursday, 14th November 2019

ઉતારચઢાવ વચ્ચે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

પસંદગીના બ્લુચીપ કાઉન્ટરોમાં જોરદાર લેવાલીનો માહોલ રહ્યો : રિટેલ ફુગાવા બાદ ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરાતા તેની અસર હવે જોવા મળશે : સેંસેક્સ ૪૦૨૮૬ની ઉંચી સપાટી ઉપર આખરે બંધ રહ્યો

મુંબઈ, તા. ૧૪ : શેરબજારમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી હતી. પસંદગીના બ્લુચીપ કાઉન્ટરોમાં લેવાલી જામી હતી. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઇન્ફોસીસ, એચડીએફસી અને ટીસીએસ જેવા પસંદગીના બ્લુચીપ કાઉન્ટરોમાં આ લેવાલી રહી હતી. મૂડીરોકાણકારોની ભાવનાઓને લઇને આજે ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી હતી. ઓક્ટોબર મહિનામાં રિટેલ ફુગાવાનો આંકડો ૧૫ મહિનામાં પ્રથમ વખત ચાર ટકાની આરબીઆઈની આગાહીને પણ તોડી ચુક્યો છે. આ ઉપરાંત ટેલિકોમ કંપનીઓને લઇને ચિંતા મૂડીરોકાણકારોને સતાવી રહી છે. આજે કારોબારના અંતે સેંસેક્સ ૧૭૦ પોઇન્ટ અથવા તો ૦.૪૨ ટકા સુધરીને ૪૦૨૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ત્રણ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. તેના શેરમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો.

                    વેદાંતાના શેરમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ઇન્ડેક્સમાં ૩૨૨ પોઇન્ટનો ફેરફાર જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૦ પોઇન્ટનો સુધારો રહેતા તેની સપાટી ૧૪૬૮૦ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૩૩૪૪ની સપાટી જોવા મળી હતી. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સ ૩૦ પોઇન્ટ ઉછળીને ૧૧૮૭૦ની સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં આજે કારોબાર દરમિયાન સેક્ટરલરીતે જોવામાં આવે તો નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૫૦૮ રહી હતી. ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં પણ તેજી રહી હતી. નિફ્ટી બેંકમાં ૦.૭ ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૩૦૭૬૪ રહી હતી. ટેલિકોમ સર્વિસ ઉપલબ્ધ કરાવનાર વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના શેરમાં જોરદાર દબાણની સ્થિતિ રહી હતી. ૨૨ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. સરકારે ટેલિકોમ કંપનીઓને તેમના દેવાઓને લઇને કેટલીક ખાતરીઓ આપી છે. અગ્રણી ફુટવેર રિટેલ કંપની બાટા ઇન્ડિયાના શેરમાં ૫.૪૫ ટકાનો ઉછાળો રહ્યો હતો. કંપની દ્વારા તેના નેટ નફામાં ૨૯.૯૬ ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. તેના દ્વારા જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકગાળામાં નેટ નફો ૫૪.૮૬ કરોડ દર્શાવવામાં આવ્યો છે. સ્પાઇસ જેટના શેરમાં સાત ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. વર્લ્ડ શેરમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. કોમોડિટીના મોરચામાં બ્રેન્ટ ક્રૂડની કિંમતમાં ૦.૭૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

 

(7:56 pm IST)