મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

૫૦ ટકા રસીકરણ છતાં કોરોનાની ત્રીજી-લહેરનું જોખમ યથાવતઃ:IM

ભારત કોરોનાની ઘાતક બીજી લહેરમાંથી બહાર આવ્યું છે

નવી દિલ્હી, તા.૧૪: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે ભારતમાં લોકોના ૫૦ ટકા રસીકરણ છતાં ત્રીજી લહેરનું જોખમ યથાવત્ છે. ભારતમાં કોરોના રોગચાળા સામે અત્યાર સુધીમાં ૯૬.૭૦ કરોડ લોકોનું રસીકરણ થઈ ચૂકયું છે અને આગામી સપ્તાહે એક અબજ અથવા સો કરોડ લોકોનું રસીકરણ થઈ જવાની અપેક્ષા છે. વિશ્વમાં ભારતીય અર્થતંત્ર સૌથી વિકસતું અર્થતંત્ર છે અને ચાલુ નાણાકીય વર્ષમાં ૯.૫ ટકાના દરે અને આગામી નાણાકીય વર્ષે ૮.૫ ટકાના દરે વિકસશે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં ૫૦ ટકા રસીકરણથી ભારતનો આત્મવિશ્વાસ ઊંચો છે, પણ આટલા મોટા દેશની વસતિને લીધે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ છે. ભારત રસીકરણ મામલે સારો દેખાવ કરી રહ્યું છે, જેથી ભારતને અર્થતંત્રને મદદ મળી રહેશે.

તેમણે વિડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે અમે ભારત માટે આ વર્ષના આર્થિક ગ્રોથ વિશેના અંદાજોમાં કોઈ ફેરફાર નથી કર્યો. મારો કહેવાનો અર્થ એ છે કે ભારત કોરોનાની ઘાતક બીજી લહેરમાંથી બહાર આવ્યું છે. નાણાકીય બજારના સંબંધે ભારતીય અર્થતંત્ર પહેલેથી જ કેટલાય પડકારોનો સામનો કરી રહ્યું છે, તેમ છતાં ભારતનો ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક ગ્રોથ  વિશ્વના અન્ય દેશોની તુલનાએ નોંધપાત્ર રહેશે. જોકે નાણાકીય વર્ષનો ૨૦૨૦-૨૧માં અર્થતંત્રમાં ૭.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(3:08 pm IST)