મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

પાકિસ્તાનમાં ૧ ચાની પ્યાલીના રૂ.૪૦

ભારત સાથે દુશ્મની મોંઘી પડી રહી છે : દુધના ભાવ રૂ.૧૨૦: ચાની ભુકી કિલોના ૮૦૦ થી ૯૦૦: ગેસનો બાટલો ૧૫૦૦ થી ૩૦૦૦નો થયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં કમરતોડ મોંઘવારીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે. શહેરોમાં જ નહીં પાકિસ્તાનના ગામડાઓમાં પણ રોજીંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતી એવી છે કે પાકિસ્તાની લોકો માટે ચા નો સ્વાદ ફીક્કો પડી ગયો છે. પાકિસ્તાન ઇચ્છત તો તેને ભારત પાસેથી સસ્તામાં ખાંડ મળી શકત પણ તેણે ભારતથી ખાંડ આયાત કરવાની આ વર્ષે ના પાડી દીધી.
રાવલપિંડીમાં ચાના એક કપનો ભાવ ૪૦ રૂપિયા થઇ ગયો છે. પાકિસ્તાની અખબાર ડોન સાથેની વાતચીતમાં એક ચા વાળાએ કહ્યું કે પહેલા એક કપ આ ૩૦ રૂપિયા મળતો જેના હવે ૪૦ રૂપિયા થઇ ગયા છે. ચાની ભૂકી, ટી બેગ્સ, દૂધ, ખાંડ અને ગેસના ભાવો વધતા ચાના ભાવ છેલ્લા થોડા સમયમાં ૩૫ ટકા વધી ગયા છે.
આ ચા વાળાનું કહેવું હતું કે દૂધના ભાવ ૧૦૫ થી વધીને ૧૨૦ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. તો ચાની ભૂકી ૮૦૦ થી ૯૦૦ રૂપિયા અને ગેસ સીલીન્ડર ૧૫૦૦ થી ૩૦૦૦ રૂપિયો મળે છે. આના લીધે તેની આવકને બહુ અસર થઇ અને ચાના ભાવ વધારવા સિવાય તેની પાસે બીજો કોઇ રસ્તો નહોતો રહ્યો. અબ્દુલ અજીજ નામના બીજી એક ચા વાળાએ કહ્યું કે મારે એક દિવસનો વકરો ૨૬૦૦ રૂપિયો હતો પણ તેમાંથી નફો ફકત ૧૫ રૂપિયા જ મળતો હતો એટલે મારે ભાવ વધારવા પડયા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાની સરકારની જીદના લીધે દેશની જનતાને મુશ્કેલી ભોગવવી પડે છે થોડા સમય પહેલા જ આયાત કરાયેલ ૨૮૭૬૦ મેટ્રીક ટન ખાંડની એક ખેપ પાકિસ્તાન પહોંચી છે. આ ખાંડ માટે પાકિસ્તાને લગભગ ૧૧૦ રૂપિયા પ્રતિ કીલો ચુકવ્યા છે. ભારતીય અધિકારીઓ અનુસાર, પાકિસ્તાને પ્રતિબંધના મુકયો હોત તો તેને ભારતથી ખાંડ બહુ ઓછા ભાવે મળી શકી હોત.

 

(11:50 am IST)