મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

એર ઇન્ડિયા બાદ હવે

અડધો ડઝન સરકારી કંપનીઓને વેંચવાની તૈયારી

નવી દિલ્હી, તા.૧૪: મોદી સરકારે શરૂઆતથી જ સુધારાવાદી અને ખાનગીકરણની પક્ષકાર હોવાની છબી બનાવી છે. સરકારના નીતિ ઘડવૈયાઓનું માનવું છે કે એવા ઘણા સેકટરો છે જેમાં સરકારી કંપનીની જરૂર નથી. સરકાર ધંધામાં ના હોવી જોઇએ એટલે ખોટમાં ચાલતી સરકારી કંપનીઓનું ખાનગીકરણ અથવા વિનિવેશ કરી દેવું જ યોગ્ય છે. થોડા મહિના પહેલા રોકાણ અને લોકસંપત્તિ મેનેજમેન્ટ સચિવ તુહીનકાંત પાંડેએ કહ્યું હતું કે સરકારનો વિનીવેશ કાર્યક્રમ પાટે ચડી ગયો છે જે કોરોનાની બીજી લહેરના કારણે ઠપ્પ થઇ ગયો હતો.
સરકારે આ નાણાંકીય વર્ષમાં વિનીવેશ દ્વારા ૧.૭૫ લાખ કરોડ રૂપિયા ઉભા કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે પણ હજુ સુધી સરકારને એકસીસ બેંક, એનએમડીસી, હુડકો વગેરેમાંથી પોતાની હિસ્સેદારીના વેચાણથી ફકત ૮૩૬૯ કરોડ રૂપિયા અને હાલમાં એર ઇન્ડિયાના વેચાણથી લગભગ ૧૮ હજાર કરોડ રૂપિયા મળ્યા છે.
તુહીન કાંત પાંડેએ જણાવ્યું હતું કે આ નાણાંકીય વર્ષમાં જ એટલે કે માર્ચ ૨૦૨૨ સુધીમાં ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન (બીપીએલ)નું ખાનગીકરણનું કામ પુરૂ કરી લેવાશે. આ ઉપરાંત સરકાર શિપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બીઇએમએલ, પવનહંસ અને નિલાંચલ ઇસ્પાત નિગમના ખાનગીકરણની પ્રક્રિયા પણ આ વર્ષે પુરી કરી લેવા માંગે છે. આમાં ઘણી કંપનીઓ રસ દાખવી રહી છે અને તેના વેચાણ માટે પ્રક્રિયા ચાલી રહી છે.
બે જાહેર ક્ષેત્રની બેંકો અને એક વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરવાનું છે. જો કે આ બેંકો કઇ છે તેનો ખુલાસો સરકારે નથી કર્યો.

 

(11:49 am IST)