મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

હવે સુપરમાર્કેટમાં તમારી પાછળ પાછળ ફરશે ટ્રોલીઃ ધક્કો મારવાની જરૂર નહીં પડે

આ ટેકનોલોજીના કારણે વૃદ્ઘો અને દિવ્યાંગોને ટ્રોલી લઈ જવામાં સરળતા રહેશે

કાનપુર,તા. ૧૪: એરપોર્ટ કે મોલ સહિતના દ્યણા સ્થળોએ સમાનની હેરફેર માટે ટ્રોલીનો ઉપયોગ થાય છે. ટ્રોલીના કારણે વ્યકિતને ઘણી અનુકૂળતા રહે છે. ભારે સમાનનું વહન પણ સરળતાથી થાય છે. જોકે, હવે આવા સ્થળોએ ભીડ હોવાથી ટ્રોલી લઈને પણ ખરીદી કરવી મુશ્કેલ છે. ત્યારે દેશના એક છાત્રએ આ સમસ્યાનો ઉકેલ પણ શોધી કાઢ્યો છે. તેણે એવી ટેકનોલોજીનું નિર્માણ કર્યું છે, જેના થકી હવે ટ્રોલી તમારી સાથે સાથે આવશે. તમારે ટ્રોલીને હાથથી ધક્કો મારવાની જરૂર રહેશે નહીં.

વિગતો મુજબ કાનપુરના HBTUના બીટેક બીજા વર્ષના આશાસ્પદ વિદ્યાર્થી પિયુષ રાજપૂતે રોબોટ વિકસાવ્યો છે. જેનું નામ હ્યુમન ફોલોઅર રોબોટ રાખવામાં આવ્યું છે. આ રોબોટ તમારી સાથેસાથે આવશે. રોબોટ બનાવનાર વિદ્યાર્થીનું કહેવું છે કે, આ રોબોટમાં વપરાતી ટેકનોલોજી સુપરમાર્કેટ અથવા એરપોર્ટની ટ્રોલી પર લગાવી શકાય છે. જેના કારણે તમારી ટ્રોલીને તમારી કાર અથવા સામાન સબમિશન પોઇન્ટ સુધી પહોંચી જશે. પરિણામે તમારે તેને ધક્કો મારી ચલાવવી પડશે નહીં. આ ટેકનોલોજીના કારણે વૃદ્ઘો અને દિવ્યાંગોને ટ્રોલી લઈ જવામાં સરળતા રહેશે.

રોબોટના નિર્માણ બાબતે પિયુષ જણાવે છે કે, રોબોટના અલ્ટ્રાસોનિક સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સરનો ઉપયોગ થયો છે. આ સેન્સર દ્વારા જે વ્યકિતની પાછળ જવાનું છે તે વ્યકિતને રોબોટ ઓળખી લેશે. આ રોબોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરશે. તેણે વધુમાં કહ્યું કે, ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા વ્યકિતને ઓળખ્યા બાદ તેના પાછળ જવાનો કમાન્ડ AI આપે છે. રોબોટને ચલાવવા માટે તેમાં એલ-૨૩ડી મોટર ડ્રાઇવરનો ઉપયોગ થયો છે

પિયુષનું કહેવું છે કે, સંયુકત પરિવારોની પ્રથા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. વિભકત પરિવાર હોવાને કારણે વૃદ્ઘો ઘણીવાર સુપરમાર્કેટમાં ખરીદી કરવા માટે એકલા જાય છે. ત્યાં સામાન ઉપાડવા અને ટ્રોલીઓ ખેંચવી ખૂબ મુશ્કેલ બને છે. એરપોર્ટ પર પણ દ્યણીવાર વૃદ્ઘો અને દિવ્યાંગોને ભારે સામાન ઉપાડવામાં દ્યણી મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં આ ટેકનોલોજી તેમના માટે ખૂબ મદદરૂપ થશે.

(9:51 am IST)