મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

વીર સાવરકરના પૌત્ર મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા માનતા નથી

ભારત જેવા દેશના કોઇ એક રાષ્ટ્રપિતા હોય ન શકે : કારણે કે એવા હજાર લોકો છે જેમને ભુલાવી દેવામાં આવ્યા છે

નવી દિલ્હી,તા. ૧૪: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે 'ગાંધી-સાવરકર'કમેન્ટ કર્યા બાદ ઊભા થયેલા વિવાદમાં અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉત સહિત અનેક રાજકીય નેતાઓએ પોતપોતાના મંતવ્યો દર્શાવ્યા છે ત્યારે વીર સાવરકરના પૌત્ર રણજીત સાવરકર પણ આ ચર્ચામાં સામેલ થયા છે. એએનઆઈ સમાચાર સંસ્થા સાથેની વાતચીતમાં, રણજીત સાવરકરે કહ્યું કે, 'ગાંધી રાષ્ટ્રપિતા છે એવું હું માનતો નથી. ભારત જેવા દેશના કોઈ એક રાષ્ટ્રપિતા હોઈ ન શકે. કારણ કે એવા હજારો લોકો છે જેમને ભૂલાવી દેવામાં આવ્યા છે. ભારતનો ઈતિહાસ કંઈ ૪૦-૫૦ વર્ષ જૂનો નથી, એ તો ૫,૦૦૦ વર્ષ જૂનો છે. એટલે રાષ્ટ્રપિતાના વિચારને જ હું માનતો નથી.'

ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે ગઈ કાલે પુસ્તક 'વીર સાવરકરઃ નેતા જે દેશના ભાગલાને અટકાવી શકયા હોત'ના વિમોચન પ્રસંગે એમ કહ્યું હતું કે, 'મહાત્મા ગાંધીની વિનંતીથી સાવરકરે બ્રિટિશ શાસને દયાની અરજી લખીને મોકલી હતી. સાવરકર વિશે દ્યણું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે. અવારનવાર એવું કહેવામાં આવ્યું છે કે સાવરકરે જેલમાંથી છૂટવા માટે બ્રિટિશ સરકારને દયાની અરજી મોકલી હતી. એ મહાત્મા ગાંધીએ એમને દયાની અરજી કરવાનું કહ્યું હતું.'

બાદમાં કેટલાક વિપક્ષી નેતાઓએ રાજનાથસિંહની ટીકા કરી હતી. કોંગ્રેસના નેતા જયરામ રમેશ અને ઓવૈસીએ રાજનાથ પર એવો આક્ષેપ મૂકયો હતો કે તેઓ ઈતિહાસ સાથે ચેડાં કરે છે. મહાત્મા ગાંધીએ કેસના સંબંધમાં ૧૯૨૦ના ૨૫ જાન્યુઆરીએ સાવરકરના ભાઈને લખેલો પત્ર રમેશ અને ઓવૈસીએ ટ્વિટર પર શેર કર્યો હતો. રમેશ અને ઓવૈસીએ કહ્યું કે મહાત્મા ગાંધીએ પત્રમાં જે લખ્યું હતું એને રાજનાથસિંહ પલટાવે છે. ઓવૈસીએ કહ્યું કે સાવરકરે પહેલી દયાની અરજી ૧૯૧૧માં એમને જેલમાં પૂર્યા તેના છ મહિના બાદ લખી હતી. એ વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. સાવરકરે બીજી દયાની અરજી ૧૯૧૩-૧૪માં લખી હતી જયારે ગાંધીજીએ સલાહ ૧૯૨૦માં આપી હતી. એવું લાગે છે કે ભાજપ ટૂંક સમયમાં સાવરકરને રાષ્ટ્રપિતા ઘોષિત કરી દેશે.

છત્ત્।ીસગઢના મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના ભૂપેશ બઘેલે રાજનાથસિંહની ટીકા કરતાં કહ્યું કે, રાજનાથસિંહનો દાવો ખોટો છે. આ તો એમણે નવી વાત કરી છે. સાવરકર સેલ્યૂલર જેલમાં હતા ત્યારે મહાત્મા ગાંધી વર્ધામાં હતા. બંને જણ કયારે મળ્યા હતા?  ૧૯૨૫માં જેલમાંથી બહાર આવ્યા બાદ બે દેશ (ભારત-પાકિસ્તાન)ની વાત સૌથી પહેલાં સાવરકરે જ કરી હતી. સાવરકરે ૧૯૨૫માં ભારત-પાકિસ્તાનની વાત કરી હતી અને ૧૯૩૭માં મુસ્લિમ લીગે એવો જ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ બંને (સાવરકર અને મુસ્લિમ લીગ)એ સાંપ્રદાયિક શકિતઓએ દેશના ભાગલાની પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી.

(9:50 am IST)