મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

વોશિંગ્ટન યુનિવર્સિટીએ બનાવ્યું ખાસ કેમિકલ : સાર્સ સાથે કોરોનાનો પણ કરશે બચાવ

MM3122 નામના કેમિકલથી શરીરમાં રહેલા ઘણા વાયરસ પર કંટ્રોલ મેળવી શકાશે અને વાયરસના લોડને ઓછો કરી શકાશે

વોશિંગ્ટન તા. ૧૪ : વૈજ્ઞાનિકોએ એક એવા કેમિકલ કમ્પાઉન્ડનું નિર્માણ કર્યું છે કે તેના દ્વારા સાર્સ-સીઓવી-૨-વાયરસથી થનારા સંક્રમણને રોકી શકાય છે. તેમણે દાવો કર્યો છે કે, જો આ સંક્રમણ દરમિયાન જલ્દી આપવામાં આવે તો કોવિડ-૧૯ની ગંભીરતાની ઓછી કરી શકાશે.અમેરિકામાં વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના શોધકર્તાઓના જણાવ્યા અનુસાર, MM3122 નામના કેમિકલથી શરીરમાં રહેલા ઘણા વાયરસ પર કંટ્રોલ મેળવી શકાશે અને વાયરસના લોડને ઓછો કરી શકાશે.

પત્રિકા પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં જણાવવામાં આવ્યું છે કે,  કેમિકલ સંયોજન દ્વારા મનુષ્યમાં મળી આવનારા એક મુખ્ય પ્રોટીન 'ટ્રાન્સમેમ્બ્રેન સેરીન પ્રોટીઝ-૨'ને નિશાન બનાવવામાં આવે છે જેનો ઉપયોગ કોરોના વાયરસ માનવ કોશિકામાં પ્રવેશ કરવા અને તેને સંક્રમિત કરવા માટે કરે છે.

વોશિંગ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ ડબ્લ્યુ જેનેટકાએ કહ્યું હતું કે, સાર્સ-સીઓવી-૨ વિરોધી ઘણી રસીઓ હવે તૈયાર છે પરંતુ આ વૈશ્વિક મહામારીની ગંભીરતાને ઓછી કરવા માટે પ્રભાવી 'એન્ટી વાયરલ' દવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, અમે જે રાસાયણિક સંયોજન બનાવી રહ્યા છે તે વાયરસને કોશિકાની અંદર જવા માટે રોકશે.

જેનેટેકાએ વધુમાં જણાવ્યું છે કે, આ અભ્યાસનું મુખ્ય લક્ષ્ય અણુઓને એક અવરોધક રૂપે વિકસિત કરવાનું છે, જેને મો દ્વારા લઇ શકાય છે અને આ કોવિડ-૧૯ વિરોધી દવા તરીકે પણ પ્રભાવશાળી કામ કરી શકે છે.

(9:47 am IST)