મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

આ કારણે ડોલરની સરખામણીમાં આજે મજબૂત બન્યો ભારતીય રૂપિયો

મુંબઇ, તા.૧૪: ભારતીય રૂપિયાની સતત ગગડવાની સ્થિતિ પર કાબુ આવ્યો છે. શુક્રવારે એક અમેરિકી ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૪૯ પૈસા મજબૂત થઇને ૭૧.૭૦ના સ્તર પર ખુલ્યા છે. વિશેષજ્ઞો પ્રમાણે દુનિયાભરમાં ડોલરની ડિમાન્ડમાં આવેલી કમીના કારણે રુપિયામાં મજબૂતી પરત આવી છે. ગુરૂવારની સાંજે અમેરિકામાં આવેલા કમજોર આર્થિક આંકડાને જોતા અન્ય કરન્સીના મુકાબલે ડોલર નબળો પડ્યો. એટલે ભારતીય રૂપિયામાં પણ જોરદાર રિકવરી જોવા મળી છે.

નોંધનીય છે કે ગત બુધવારે પણ રૂપિયો ૫૧ પૈસાની મજબૂતીની સાથે ૭૨.૧૯ના સ્તર પર બંધ થયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહ સમીક્ષા બેઠક કરીને અર્થવ્યવસ્થા પર વિચારણા કરશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે આ બેઠકમાં રૂપિયાના નીચા સ્તર અને તેલની વધતી કિંમતો પર ચર્ચા કરવામાં આવશે. ચર્ચા એ પણ છે કે રૂપિયાને મજબૂત કરવા માટે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી શકે છે.

શનિવારે થનારી બેઠકમાં વિત મંત્રી અરૂણ જેટલી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન વિવેક દેવરાય અને વિત સચિવ હસમુખ અધિયા ભાગ લેશે.

વિશેષજ્ઞો જણાવે છે કે અમેરિકી ડોલરના પ્રમાણે રૂપિયો સતત ગબડી રહ્યો છે અને સૌથી નીચા સ્તર પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં આરબીઆઈ વ્યાજ દરો વધારીને આની પર લગામ લગાવી શકે છે. આ પહેલા વર્ષ ૨૦૧૩માં પણ રૂપિયાના નીચલા સ્તરને રોકવા માટે તે સમયે આરબીઆઈ ગવર્નર રદ્યુરામ રાજને આ પગલુ ભર્યું હતું.

(3:39 pm IST)