મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

અમેરિકામાં કૂતરા - બિલાડાના માંસના વેપાર પર પ્રતિબંધ

૩II લાખનો દંડ થશે : ચીનમાં પ્રતિ વર્ષ ૧ કરોડ કૂતરાઓને કાપી નખાય છે : માનવીના સાથીદારની ભૂમિકા ભજવે છે : રક્ષણ આપવું જોઇએઃ ભારત, ચીન, દક્ષિણ કોરિયા જેવા દેશોને કૂતરા - બિલાડાના માંસનો વેપાર ન કરવાની અમેરિકી સંસદે વિનંતી કરી

વોશિંગ્ટન તા. ૧૪ : અમેરિકન સંસદે બિલ પસાર કરીને કૂતરા - બિલાડાની કતલ કરવા ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે કૂતરા - બિલાડાનું માંસ ખાવા માટે તેની હત્યા થઇ શકશે નહીં. એવું કરનારને ૫૦૦૦ અમેરિકન ડોલર એટલે લગભગ ૩.૫ લાખ રૂપિયાનો દંડ થશે.

કૂતરા અને બિલાડી લોકોના વફાદાર મિત્રો ગણાય છે અને સત્તાવાર રક્ષણ આપતું બિલ અમેરિકન સંસદે પસાર કર્યું છે. અમેરિકન સંસદે ધ ડોગ એન્ડ કેટ મીટ ટ્રેડ પ્રોહિબિશન એકટ ૨૦૧૮ પસાર કર્યું છે. આ બિલ અંતર્ગત કૂતરા - બિલાડાની કતલ કરનારાને ૩.૫ લાખ રૂપિયાનો દંડ થશે. કૂતરા - બિલાડાના માંસનો વેપાર અટકાવીને અમેરિકી સંસદે ભારત, ચીન, દક્ષિણ કોરિયા, વિએટનામ, થાઇલેન્ડ, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ જેવા દેશોને પણ કૂતરા - બિલાડના માંસનો વેપાર ન કરવાની સલાહ આપી છે.

અમેરિકાના સાંસદોએ કહ્યું હતું કે, ૨૧મી સદીમાં આવા નિર્દોષ સજીવોની કતલ માણસના સ્વાદનો ચટાકો પૂરો કરવા થાય તે ગંભીર ગણાય. માણસના સાથીઓની ભૂમિકા નિભાવતા આ સજીવોને આપણે જ રક્ષણ આપવું જોઇએ.

અમેરિકી સાંસદ કલાઉડિયા ટેનીએ કહ્યું હતું કે, આજે ય ચીનમાં ૧ કરોડ કૂતરાઓની માંસ માટે કતલ થાય છે. એ કતલ અટકાવવી જોઇએ. માણસની જેમ આવા સજીવોનું પણ સહજીવન આપણે સ્વીકારવું જોઇએ.

અમેરિકાએ બિલ પસાર કરવાની સાથે કહ્યું હતું કે, અમેરિકા આ એકટ પસાર કરીને આખા વિશ્વને એ મેસેજ આપવા માગે છે કે, આવા નિર્દોષ સજીવોનું રક્ષણ કરવું જોઇએ અને તેમની વફાદારીની માણસ જાતે કદર કરવી જોઇએ.

અમેરિકન સાંસદ વર્ન બચાનને કહ્યું હતું કે, અમેરિકામાં સરેરાશ અડધો અડધ ઘરોમાં ડોગ કે કેટ હોય છે. અમેરિકનોની લાગણી આ પાલતુ સજીવો સાથે જોડાયેલી છે તેને ધ્યાનમાં રાખીને અમેરિકન સંસદે આ મહત્વનું પગલું ભર્યું છે.(૨૧.૯)

(12:01 pm IST)