મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

'...તો મુંબઇને બ્લોક કરી દઇશું' : મરાઠા સમાજની મહારાષ્ટ્ર સરકારને ધમકી

રાજ્ય સરકારે અનામત મામલે મરાઠા સમાજનું અપમાન કર્યું છે

કોલ્હાપુર/મુંબઈ તા. ૧૪ : 'મરાઠા સમાજને સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવાના જાહેર કરેલા નિર્ણયનું મહારાષ્ટ્ર સરકાર મુદત સુધીમાં પાલન કરે, નહીં તો હજારોની સંખ્યામાં વાહનોની કૂચ કાઢીને અમે મુંબઈ બ્લોક કરી દઈશું અને સરકારને નમાવીને રહીશું.' આવી ચેતવણી સકલ મરાઠા સમાજની બેઠકમાં ઉચ્ચારવામાં આવી હતી.

રાજર્ષી શાહૂ સ્મારક ભવન ખાતે મળેલી બેઠકમાં આંદોલનની દિશા પણ નક્કી કરવામાં આવી હતી. મરાઠા અનામત મુદ્દે મરાઠા સમાજને સંગઠિત કરવા અને આંદોલનનો વ્યાપ વધારવા માટે રાજયના ગામેગામ સંપર્ક ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

સકલ મરાઠા સમાજના વસંતરાવ મુળીક, ઈતિહાસવિદ્દ ઈન્દ્રજિત સાવંત, દિલીપ દેસાઈ, સચિન તોડકર, સ્વપ્નીલ પાર્ટે, જિજાઉ બ્રિગેડનાં રાજશ્રી ચવ્હાણ, ચારુશીલા જાધવ સહિત અનેક આગેવાનો આજની બેઠકમાં હાજર રહ્યા હતા.

ઈન્દ્રજિત સાવંતે કહ્યું હતું કે રાજય સરકારે અનામત મામલે મરાઠા સમાજનું અપમાન કર્યું છે. સરકાર પર વિશ્વાસ રાખીને નહીં, પણ શ્રીમંત શાહૂ મહારાજ છત્રપતી, ઈતિહાસવિદ્દ જયસિંગરાવ પવાર, યશવંતરાવ થોરાતની ખાતરીને માન આપીને આંદોલન સ્થગિત કરાયું છે. અનામત માટેની લડાઈ અટકી નથી. મરાઠા અનામત માટે કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શિવસેનાની મદદ કરી છે તેથી એમનો સહકાર લઈશું.(૨૧.૩)

(9:35 am IST)