મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

વિજય માલ્યા સાથેની મુલાકાતની વાત અરૂણ જેટલીએ અઢી વર્ષ સુધી શા માટે છુપાવી રાખી ? કોંગ્રેસના નેતાઓના આકરા પ્રહારો

નવી દિલ્હી: બેંકોને અબજો રુપિયાનું ફુલેકુ ફેરવી લંડન ભાગી ગયેલા વિજય માલ્યાને કારણે હાલ રાજકારણમાં ઘમાસાણ મચ્યું છે. માલ્યાએ લંડન જતા પહેલા નાણાં મંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હોવાનો દાવો કર્યા બાદ કોંગ્રેસ જેટલી અને એનડીએ સરકાર પર તૂટી પડી રહી છે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અરૂણ જેટલી પર ગંભીર આરોપ મૂકયા છે. તેમણે નિશાન સાંધતા કહ્યું કે જેટલીજી બ્લોગ લખતા રહે છે, પરંતુ કયારેય વિજય માલ્યાને મળવા ગયા તે અંગે દેશને બતાવ્યું નહીં. ગુરૂવારના રોજ પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે અરૂણ જેટલીએ કહ્યું કે વિજય માલ્યાએ અનૌપચારિક રીતે અપ્રોચ કર્યો હતો, તેના પર પ્રશ્ન કર્યો છે કે તેમણે અત્યાર સુધી કેમ છુપાવ્યું. તેમણે કહ્યું કે આજે અમે પુરાવા લાવ્યા છીએ અને તે પુરાવો છે પીએલ પુનિયા, જેમણે માલ્યા-જેટલીની મુલાકાતને જોઇ હતી.

ત્યારબાદ પીએલ પુનિયાએ કહ્યું કે બજેટ સત્ર બાદ 1 માર્ચ, 2016ના રોજ તેમને જોયું હતું કે અરૂણ જેટલી અને માલ્યા ઉભા રહી ખાનગી વાતો કરી રહ્યાં હતા. પુનિયાએ દાવો કર્યો કે 5-7 મિનિટ બાદ સેન્ટ્રલ હોલમાં બેન્ચ પર પણ બંને વાત કરતાં રહ્યાં. કૉંગ્રેસની તરફથી એમ પણ કહ્યું છે કે માલ્યા એ સત્રમાં પહેલી વખત જેટલીને જ મળવા આવ્યા હતા.

પુનિયાએ કહ્યું કે 3 તારીખના રોજ જ્યારે મીડિયામાં માલ્યા વિદેશ ભાગ્યા સમાચાર છપાયા તો મારું રિએકશન પણ એ હતું કે 2 દિવસ પહેલાં તો તે અરૂણ જેટલીને મળ્યા હતા. કૉંગ્રેસના નેતાએ કહ્યું કે કેટલીય વખત મેં તેમની આ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેટલીએ અઢી વર્ષ સુધી આ રહસ્યને છુપાવી રાખ્યું, કેટલીય વખત ડિબેટ પણ થઇ પણ તેમને કયારેય તેનો ઉલ્લેખ કર્યો નહોતો કે માલ્યાને તેઓ મળ્યા હતા.

પુનિયાએ જેટલીને પડકારતા કહ્યું કે સેન્ટ્રલ હોલમાં સીસીટીવી લાગેલા છે, જે જુઠ્ઠી બોલી રહ્યાં છેકે રાજકારણ છોડી દે. રાહુલ ગાંધીએ આરોપ મૂકયો કે આ મુલાકાતથી સ્પષ્ટ થાય છે કે માલ્યા દેશના નાણાં મંત્રી અરૂણ જેટલી પાસેથી સહમતિ લઇને અને સલાહ લઇ દેશ છોડી ગયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલો પ્રશ્ન એ છે કે નાણાંમંત્રી આરોપીઓ સાથે વાત કરે છે પરંતુ નાણાંમંત્રીએ ના તો સીબીઆઈને કહ્યું ના તો ઇડી ને કે ના તો પોલીસને. એટલું જ નહીં માલ્યા માટે જે અરેસ્ટ નોટિસ હતી તેને સૂચના નોટિસમાં બદલવાનું કોને કહ્યું હતું. બીજો સવાલ એ છે કે જેટલી એ બતાવું જોઇએ કે તેમણે જાતે આ નિર્ણય લીધો કે ઉપરથી આદેશ મળ્યો હતો.

(4:58 pm IST)