મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

સ્વતંત્રતા દિવસ પૂર્વે પાકિસ્તાન અને ISI સમર્થિત ટેરર મૉડ્યૂલનો ભાંડાફોડ !

પોલીસે કેનેડાના અર્શ ડલ્લા અને ઑસ્ટ્રેલિયાના ગુરજંત સિંહ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ : પોલીસે હથિયારો પણ જપ્ત કર્યાં

નવી દિલ્લી તા.14 : સ્વતંત્રતા દિવસ પહેલા રાજધાનીમાં વિશેષ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. ત્યારે પંજાબ પોલીસે રવિવારે દિલ્હી પોલીસની મદદથી પાકિસ્તાન ISI સમર્થિત ટેરર મૉડ્યૂલનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. પોલીસે કેનેડાના અર્શ ડલ્લા અને ઑસ્ટ્રેલિયાના ગુરજંત સિંહ સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે.

DGPએ જણાવ્યું છે કે, પંજાબ પોલીસે બાતમીના આધારે ત્રણ હેન્ડ ગ્રેનેડ, 1 IED, બે 9 MM પિસ્ટલ અને 40 જીવતા કારતૂસ જપ્ત કર્યાં છે. આ ઑપરેશનને પંજાબ પોલીસ અને દિલ્હી પોલીસના સંયુક્ત ઓપરેશનથી પાર પાડવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર પંજાબમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પંજાબ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સ્વતંત્રતા દિવસ પૂર્વે પંજાબ પોલીસે મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો છે અને દિલ્હી પોલીસની મદદથી પાકિસ્તાન ISI સમર્થિત ટેરર મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. કેનેડામાં રહેતા અર્શ ડલ્લા અને ઑસ્ટ્રેલિયામાં બેઠેલા ગુરજંત સિંહ સાથે સંકળાયેલા 4 મૉડ્યૂલ સભ્યોની ધરપકડ કરી છે.

એવામાં ઉત્તર પ્રદેશ પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકવાદી હબીબુલ ઈસ્લામ ઉર્ફે સૈફુલ્લાની કાનપુરથી ધરપકડ કરી છે. UP ATSનું કહેવું છે કે, 19 વર્ષના સેફુલ્લાહે સરહદ પારના લોકોને સંપર્કમાં રહેવા માટે ટેલિગ્રામ, ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સઅપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે.

(11:54 pm IST)