મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

દિલ્હીમાં આતંકવાદી હુમલાને લઈ હાઈ એલર્ટ : લાલ કિલ્લો અભેદ્ય કિલ્લામાં ફેરવાયો

સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારમાં દિલ્હી પોલીસના 10 હજાર જવાનો અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરાયા

નવી દિલ્લી તા.14 : દિલ્લીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જમીનથી લઈને આકાશ સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારમાં દિલ્હી પોલીસના 10 હજાર જવાનો અને અર્ધલશ્કરી દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

DRDO અને NSGની એન્ટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. સાથે જ NSG કમાન્ડોને જમીન પર તૈનાત કરવામાં આવ્યા છે. NSG સ્નાઈપર્સ હાઈ રાઈઝ ઈમારત પરથી ચાંપતી નજર રાખશે. લાલ કિલ્લાની બહારની સુરક્ષામાં વિશેષજ્ઞ અર્ધલશ્કરી દળ તૈનાત કરવામાં આવશે. આકાશમાંથી હુમલાની સંભાવનાને કારણે લાલ કિલ્લાની આસપાસ નો ફ્લાઈંગ ઝોન રહેશે નહીં. પતંગ હુમલાની ચેતવણી મળ્યા બાદ લાલ કિલ્લાની આસપાસ પતંગ ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

30 હજાર જવાન સુરક્ષા સંભાળશે

લગભગ 30 હજાર પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળના જવાનો સ્વતંત્રતા દિવસ પર સુરક્ષા સંભાળશે. પાકિસ્તાનના આતંકવાદી નેતાઓએ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરને ભારતમાં હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈન્ટેલિજન્સ એલર્ટ મળ્યા બાદ સાદા યુનિફોર્મમાં પોલીસની વિશેષ ટીમ ભીડવાળા વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. લાલ કિલ્લા પાસે એન્ટી એરક્રાફ્ટ ગન લગાવવામાં આવશે. SWAT કમાન્ડોની વિશેષ ટીમ સુરક્ષા સંભાળશે. હવાઈ ​​હુમલા, નદીના માર્ગથી થતા હુમલાને રોકવા માટે 500 વિશેષ કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે.

લાલ કિલ્લાના મુખ્ય કાર્યક્રમ સ્થળ અને તેની આસપાસ એક હજાર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામ કેમેરા દરેક પગલાને સ્કેન કરી રહ્યા છે. યમુના કિનારેથી બોટમાં આતંકીઓના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે નદીના દરેક કિનારે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવશે. ભૂતકાળમાં મોટી સંખ્યામાં ગોળીઓ મળ્યા બાદ દિલ્હીની દરેક બોર્ડર પર તમામ વાહનો અને શંકાસ્પદ લોકોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. દિલ્હીની બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. બે બાંગ્લાદેશીઓને પકડ્યા પછી, દિલ્હી પોલીસે શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા માટે વિશેષ ઓપરેશન શરૂ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ બે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી અલગ અલગ ઓળખના 11 બાંગ્લાદેશી પાસપોર્ટ અને 10 નકલી રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની ઓળખ 28 વર્ષીય મોહમ્મદ મુસ્તફા અને મોહમ્મદ હુસૈન શેખ તરીકે થઈ છે. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

 

(10:10 pm IST)