મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમ શાહબાઝ વચ્ચે મુલાકાત થાય તેવી સંભાવના : બંને વડાપ્રધાન SCO સમિટમાં ભાગ લેશે

નવી  દિલ્લી તા.14 : ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મુલાકાત થવાની સંભાવના છે. SCO સમિટ 15-16 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે, જ્યાં સંગઠનના નેતાઓ પ્રાદેશિક પડકારો પર ચર્ચા કરવા માટે મળવાના છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાનો ઉપરાંત ચીન, રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ પણ ઉઝબેકિસ્તાન પહોંચી શકે છે.

જોકે સવાલ એ પણ છે કે પીએમ મોદી અને શાહબાઝ શરીફ મળશે તો પણ કયા મુદ્દા પર વાત કરશે? જોકે આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યુ નથી. શાંઘાઈ કો ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક 15 અને 16 સપ્ટેમ્બરે યોજાવાની છે. જેમાં ચીન, રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ પણ ભાગ લેશે.
શરીફ જ્યારે પીએમ બન્યા ત્યારે પીએમ મોદીએ તેમને અભિનંદન આપીને લખ્યુ હતુ કે, ભારતીય ઉપખંડમાં શાંતિ અને સ્થિરતાની જરૂર છે. જેથી આપણે વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને તેનાથી લોકોનુ કલ્યાણ થાય. જેના જવાબમાં શરીફે પણ કહ્યુ હતુ કે પાકિસ્તાન ભારત સાથે શાંતિપૂર્ણ સબંધો ઈચ્છે છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેનો વેપાર પણ ઠપ છે. પાકિસ્તાને 2019માં કેટલીક દવાઓ ભારતથી મંગાવવા માટે મંજૂરી આપી હતી અને તેને બાદ કરતા બંને દેશો વચ્ચેના વેપારીક સબંધોમાં કોઈ પ્રગતિ થઈ નથી.

(8:39 pm IST)