મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

બિહારમાં વરસાદનો બીજો રાઉન્ડ, ૭૭ લાખને અસર

ઉત્તર ભારત વરસાદથી તરબતર : ૨૨ નદીઓમાં પૂર : હજુ પણ વધુ વરસાદની આગાહી

નવી દિલ્હી,તા. ૧૪ : રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.

બિહારમાં ૭૭ લાખ લોકો પૂરને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. બિહારમાં ૨૨ નદીઓમાં પૂર આવ્યાં હતાં. એને કારણે સેંકડો ગામો પૂરમાં ફસાયાં હતાં. હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે સમગ્ર દેશમાં અને ખાસ તો દિલ્હી સહિત ઉત્તર ભારતનાં પાંચ રાજ્યોમાં હજુ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થશે. સાઉથ વેસ્ટ પવનના કારણે  દેશના મોટા ભાગના વિસ્તારોમાં આગામી બે ત્રણ દિવસ મૂસળધાર વરસાદ પડવાની શક્યતા છે.

બિહારમાં બાગમતી નદી સીતામઢી, મુઝફ્ફરપુર અને દરભંગામાં, બૂડી ગંડક સમસ્તિપુર અને ખગડિયામાં અને ઘાઘરા નદી સિવાનમાં ભયસૂચક રેખાથી ઉપર વહી રહી હતી એટલે ચોમેર ભયનું વાતાવરણ હતું.

બીજી બાજુ પાટનગર નવી દિલ્હીમાં છેલ્લા બે ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદના પગલે ઠેર ઠેર ગોઠણ સમાણાં અને ક્યાંક તો ચારથી પાંચ ફૂટ ઊંડાં પાણી ભરાયાં હતાં. મોટા ભાગના અન્ડરપાસ પાણીથી છલોછલ ભરેલા હતા. મધ્ય પ્રદેશમાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવી હતી. રાજ્યના આઠ જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ હતી. રાષ્ટ્રીય હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને રાજસ્થાનના પૂર્વ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. રાષ્ટ્રીય અને રાજ્યોના નેશનલ ડિઝાસ્ટર રિલિફ વિભાગને સાબદા કરાયા હતા. ઉત્તરાખંડમાં બદરીનાથ અને કેદારનાથ તરફ જતા નેશનલ હાઇવે પર ખડકો ધસી પડતાં ટ્રાફિક અટવાયો હતો જે હજુ પૂરેપૂરો નોર્મલ થયો નહોતો.

(7:47 pm IST)