મુખ્ય સમાચાર
News of Friday, 14th August 2020

રાજસ્થાનમાં ભારે વરસાદઃ જયપુરમાં વિધાનસભા સત્રમાં ભાગ લેવા જઇ રહેલ કોંગ્રેસી ધારાસભ્યોની બસ પાણીમાં અટવાઇ

સત્રને ૧ વાગ્યા સુધી અધ્યક્ષ ડો. જોષીએ મુલત્વી રાખ્યું: ભાજપ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે

જયપુર : રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદની અસર વિધાનસભા સત્ર ઉપર પણ પડી છે. ગેહલોત જૂથના ધારાસભ્યો સત્રમાં ભાગ લેવા ફેયરમાંટ હોટલમાંથી બે બસોમાં બેસી રવાના થયેલ. પણ ભારે વરસાદના કારણે રસ્તા ઉપર ઠેર ઠેર તળાવ ભરાઇ જતા બસ ફસાઇ ગયેલ. ઉપરાંત સત્રની કાર્યવાહી પણ ૧ વાગ્યા સુધી સ્થગીત કરાયેલ.

અગાઉ રાજસ્થાન વિધાનસભાનું પ મું સત્ર શરૂ થયેલ. કાર્યવાહી શરૂ થતા અધ્યક્ષ ડો. સી. પી. જોષીએ કાર્યવાહી બપોરે ૧ વાગ્યા સુધી સ્થગીત કરેલ. જયપુરમાં ભારે વરસાદ વચ્ચે ધારાસભ્યો સમયસર સદનમાં પહોંચી શકયા ન હતાં. બીજી તરફ રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે સત્ર શરૂ થતા પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત ટ્વીટ કરી સત્યની જીત થશે તેમ જણાવેલ.

સવારથી જ જોરદાર વરસાદ જયપુરમાં પડી રહ્યો છે. રસ્તાઓ ઉપર ગાડીઓ ડૂબી ગયેલ અને લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. હવામાન ખાતા મુજબ આવતા ર૪ કલાકમાં જયપુર, અલવર, ભરતપુર, ભીલવાડા સહિતના પૂર્વી ભાગમાં ભારે વરસાદની સાથે અજમેર, અલવર, બાંસવાડા, બાંરા, ભરતપુર, સીકર સહિતના શહેરોમાં વિજળી પડવાની શકયતા દર્શાવી છે.

રાજસ્થાનના મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા સરકાર વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત વચ્ચે વિધાનસભાનું આ સત્ર ખુબ જ હંગામાવાળુ રહેશે. સત્રના આગલા દિવસે કોંગ્રેસ અને ભાજપે પક્ષની બેઠક બોલાવેલ. કોંગ્રેસે પોતાના બે ધારાસભ્યો વિશ્વેન્દ્રસિંહ અને ભંવરલાલ શર્માનું નિલંબન રદ કરેલ. પણ તે દિવસની સૌથી મહત્વપૂર્ણ ઘટના સચીન પાયલોટની અશોક ગેહલોત સાથેની મુલાકાત રહેલ. બન્ને નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી નિવાસે બેઠક યોજાયેલ.

ગેહલોત-સચીન પાયલોટની સાથે કોંગ્રેસ સંગઠનના મહસચિવ વેણુગોપાલ, પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ પણ હાજર રહેલ. ત્યારબાદ કોંગ્રેસની ધારાસભ્યોની બેઠકમાં તમામ હાજર રહેલ.

(3:22 pm IST)