મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

વડાપ્રધાનની બહેન હોવાનો ગર્વ છેઃ કમર જહા

૨૪ વર્ષથી નરેન્દ્રભાઇને રાખડી બાંધે છે મુસ્લીમ મહિલા

નવી દિલ્હી : રક્ષા બંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. અમદાવાદની કમર જહાં તેના ધર્મના ભાઈને રાખડી બાંધવા માટે દિલ્હી પહોંચી ગઈ છે. કમર જહાંના આ માનેલા ભાઈ બીજું કોઈ નહીં પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છે. કમર જહાં છેલ્લા ૨૪ વર્ષથી પીએમ નરેન્દ્રભાઇ મોદીને રાખડી બાંધે છે.

 કરાચીથી અનેક વર્ષો પહેલા અમદાવાદ આવીને વસેલી કમર જહાંએ જણાવ્યું કે, વડાપ્રધાન જયારે ભાજપના કાર્યકર હતા ત્યારથી તેણી તેમને રાખડી બાંધે છે. કમર જહાં કહે છે કે મહેનત, ઈમાનદારી અને લગનને કારણે નરેન્દ્રભાઇ મોદી આજે દેશના વડાપ્રધાન છે. તેના માટે એનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે કે દેશના વડાપ્રધાન તેમના ભાઈ છે. મારા માટે ગર્વની વાત છે કે હું મોદીની બહેન છું.  કમર જહાંએ જણાવ્યું કે, હું નરેન્દ્રભાઇ મોદી માટે દુઆ કરતી હતી કે તેઓ સીએમ બને. સીએમ બન્યા બાદ મેં દુઆ કરી હતી કે તેઓ વડાપ્રધાન બને. હવે હું દુઆ કરું છું કે તેમને નોબેલ પુરસ્કર મળે. મેં હંમેશા એવી દુઆ કરી છે કે મારા ભાઈને સફળતા મળતી રહે.

તેમણે વધુમાં  જણાવ્યું કે, પીએમ મોદી તેને ખૂબ પ્રેમ કરે છે, તેઓ દરેક વાતનું ધ્યાન રાખે છે. કમર જહાં આ વખતે રક્ષા બંધનના દિવસે મોદીને માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ લાવી છે.  કમર જહાંએ કહ્યું કે તેણી પોતાની માતા સાથે કરાચીથી પોતાના પરિવારને મળવા માટે ભારત આવી હતી. અહીં આવ્યા પછી અહીંની જ બનીને રહી ગઈ હતી. કમર જહાં કહે છે કે, ''મારા નસિબમાં હિન્દુસ્તાન હતું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં છું. અહીં આવીને મને ખુશી થઈ છે. કયારેક કોઈ વસ્તુની ઉણપ નથી આવી. ઉપરવાળાનો આભાર માનું છું કે અહીં ભાઈ-બહેન બધાનો પ્રેમ મળ્યો છે''.

(3:45 pm IST)