મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

મહેબૂબાએ હિંસાની વાત ફેલાવી હતીઃ નહિં તો જેલમાં રાખવાનો અમને શોખ નથીઃ મલિક

કાશ્મીરના ગવર્નર સત્યપાલજી આકરા પાણીએઃ પાકિસ્તાન કંઇ છમકલું કરશે તો સજા મળશે

જમ્મુ તા. ૧૪: ગર્વનર સત્યપાલ મલિકે મહેબુબા મુફતી અને ઉમર અબ્દુલ્લાની નજરકેદ પર કહ્યું કે અમારી એવી કોશિષ છે કે તે લોકો ખીણની પ્રજાના મનમાં ઝેર ન ફેલાવી શકે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને રાજયની પુનર્રચના કર્યા પછી આ બાબતે વિવાદ ચાલુ જ છે. વિરોધી નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરની પ્રજા અને નેતાઓ પર સખ્તી વર્તવામાં આવે છે. આ બાબતે રાજયના ગવર્નર મલિકે ન્યુઝ ૧૮ સાથેની ખાસ વાતચીતમાં પોતાનો પક્ષ રાખતા સ્પષ્ટતાઓ કરી હતી. મલિકે મહેબુબા મુફતી અને ઉમર અબ્દુલ્લાની ધરપકડ પર કહ્યું કે, તેમને ફકત થોડા દિવસ માટે જ પકડવામાં આવ્યા છે. અમારી એવી કોશિષ છે કે તે લોકો ખીણની પ્રજાના મનમાં ઝેર ન ફેલાવે.

તેમણે કહ્યું કે મહેબુબાજીએ હિંસાની ઘણી વાતો ફેલાવતા કહ્યું હતું કે આવું કંઇ થશે તેમના હાથ કાપી નાખવામાં આવશે. મલિકે કહ્યું કે અમને કોઇને એક દિવસ પણ જેલમાં રાખવાનો કોઇ શોખ નથી. અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે કોઇપણ રીતે પરિસ્થિતિ સામાન્ય થઇ જાય. પરિસ્થિતિ જેવી સામાન્ય થઇ જશે એટલે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પણ ચાલુ કરી દેવાશે.

મલિકે પાકિસ્તાનને સખ્તાઇ પૂર્વક જવાબ આપતા કહ્યું કે આ બે મહિના પહેલાનું ભારત નથી. આ બદલાઇ ગયેલું ભારત છે. જો સરહદ પર પાકિસ્તાન તરફથી કોઇ ગેરવર્તણુંક થશે તો તેની સજા મળશે અને તે કયારેય પોતાનું માથું ઉંચુ નહીં કરી શકે. મલિકનો આ જવાબ પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશી માટે હતો જેમણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનો ભાગ નથી.

સત્યપાલ મલિકે કોંગ્રેસ અંગેના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે જે લોકોના બયાનોથી કોંગ્રેસનો સત્યનાશ થાય છે. તેવા લોકો આ વખતે પણ અમારો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસને કંઇ સમજાતું નથી કે તેણે શું કરવું જોઇએ. સંસદમાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરી પર નિશાન તાકતા તેમણે કહ્યું કે ચૌધરીએ બહુજ ખરાબ, રાષ્ટ્રવિરોધી અને તર્ક વગરની વાત કરી છે, ચૌધરીના આ ભાષણથી કોંગ્રેસનો સત્યાનાશ થયો છે. તેમણે કહ્યું કે આ મુદ્દા પર સોનિયા અથવા રાહુલ ગાંધીએ બોલવાની જરૂર હતી.

સ્વાતંત્ર્ય દિવસ અંગે મલિકે કહ્યું કે અહીં ૧પ ઓગસ્ટ વધુ જોશ અને ઉત્સાહપૂર્વક મનાવવામાં આવશે. બધા ગામના સરપંચો આ પર્વ પર કાર્યક્રમમાં સામેલ થશે અને કાશ્મીરના દરેક ભાગમાં શ્રીનગર કરતા પણ સારૃં આયોજન કરવામાં આશવે.

(3:34 pm IST)