મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

પાકનું વિમાન તોડી પાડનાર અભિનંદનને વીરચક્ર મળ્યું

બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ વિમાન તોડી પાડ્યુ હતુ : અભિનંદનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતો જો કે ભારતની જોરદાર રાજદ્વારી નીતિના કારણે છોડવો પડ્યો

નવી દિલ્હી,તા. ૧૪: સ્વતંત્રતા દિવસના પ્રસંગે દર વર્ષની જેમ આ વખતે પણ વીરતા પુરસ્કારની જાહેરાત આજે કરવામાં આવી હતી. વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

અભિનંદને બાલાકોટમાં પાકિસ્તાની ત્રાસવાદીઓના અડ્ડા પર ભારતે એરસ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનના દુસાહસને નિષ્ફળ કરીને પાકિસ્તાનનુ એફ-૧૬ વિમાન તોડી પાડ્યુ હતુ. જો કે આ ગાળા દરમિયાન અભિનંદનનુ વિમાન તુટી પડ્યુ હતુ. જેથી અભિનંદન પણ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. જ્યાં તેમને પાકિસ્તાની સેનાએ બાનમાં પકડી લીધા હતા.

જો કે ભારતના તીવ્ર રાજદ્ધારી પગલાના કારણે પાકિસ્તાનને અંતે છોડી દેવાની ફરજ પડી હતી. અભિનંદને જોરદાર સાહસનો પરિચય આપ્યો હતકો. એર સ્ટ્રાઇક બાદ સરહદ પર પાકિસ્તાની યુદ્ધવિમાનને જોરદાર જવાબ આપીને તેના વિમાનને તોડી પાડ્યુ હતુ. અભિનંદને ડોગ ફાઇટ દરમિયાન પાકિસ્તાનના અતિ આધુનિક એફ-૧૬ વિમાનને તોડી પાડ્યુ હતુ.

અભિનંદને મિ-૨૧ મારફતે પાકિસ્તાનના વિમાનને ફુંકી માર્યુ હતુ. અભિનંદનના આ કરિશ્માની દેશભરમાં ભારે ચર્ચા રહી હતી. તેમના સાહસની પણ પ્રશંસા થઇ હતી. કારણ કે એફ-૧૬ વિમાન મિગ-૨૧ કરતા વધારે શક્તિશાળી અને આધુનિક છે. ડોગ ફાઇટ દરમિયાન અભિનંદનનુ વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. જેથી તેઓ પોતે પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાની સેનાએ અભિનંદનને બાનમાં પકડી લીધા હતા. તેમને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. ભારતે ત્યારબાદ જોરદાર દબાણ વધારી દેતા પાકિસ્તાનને પહેલી માર્ચના દિવસે અભિનંદનને પરત સોંપી દેવાની ફરજ પડી હતી.

(3:31 pm IST)