મુખ્ય સમાચાર
News of Wednesday, 14th August 2019

પાકે. યુએનને ઇમરજન્સી બેઠક બોલાવાની કરી અપીલ

કાશ્મીર મુદે હારેલા સંયુકત રાષ્ટ્રના અધ્યક્ષને પત્ર લખ્યો

ઇસ્લામાબાદ, તા.૧૪: પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ને કાશ્મીર મુદ્દા પર ઈમરજન્સી બેઠક બોલાવવાની ભલામણ કરી છે. કુરૈશીએ કહ્યું છે કે, યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધીના માધ્યમથી સુરક્ષા પરિષદના અધ્યક્ષને ઔપચારિક પત્ર મોકલવામાં આવ્યો છે. જયારે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પાકિસ્તાનને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતા કહ્યું છે કે, ઈમરાન ખાન તેમના દેશ અને સીમા પર શાંતી અને સ્થાયિત્વ જાળવી રાખે.

હકીકતમાં જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ખતમ કર્યાના નિર્ણય પછી સમગ્ર દુનિયામાંથી સમર્થન ઈચ્છતા પાકિસ્તાનને દરેક દેશ તરફથી નીરાશા મળી છે. તાજેતરમાં જ મલીહા લોધીને પણ દેશના એક નાગરિકે મીડિયાની સામે જ અપમાનજનક શબ્દો કહ્યા છે. ન્યૂયોર્કના એક કાર્યક્રમમાં એક નાગરિકે મલીહા લોધીને ચોર ગણાવીને કહ્યું હતું કે, તમને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક નથી. તમે લોકોએ અમારા પૈસા ચોર્યા છે. તમે લોકો ચોર છો.

પોમ્પ્યોએ શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, અમેરિકા અને પાકિસ્તાને જયારે પણ સાથે મળીને કામ કર્યું છે ત્યારે હંમેશા સફળતા મળી છે. તાજેતરમાં જ ઈમરાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમણે તેમના વિસ્તારમાં શાંતિ અને સ્થાયિત્વ જાળવવાની વાત કરી છે. અમને આશા છે કે, આવનારા સમયમાં ઈમરાને જે કહ્યું છે તે તેઓ કરશે.

પાકિસ્તાન વિદેશ મંત્રીએ કહ્યું છે કે, કાશ્મીર મુદ્દે ભારતનો નિર્ણય યુએ પ્રસ્તાવ વિરુદ્ઘ અને ગેરબંધારણીય છે. આ નિર્ણયથી રાજયમાં અશાંતિ ફેલાઈ છે. અમે કાશ્મીરની સાથે છીએ. ત્યાં રહેતા લોકોની સાથે અમારી સંવેદના છે. મેં યુએનએસસીને પત્ર લખીને નિવેદન કર્યું છે કે, આ મુદ્દે ચર્ચા કરવા માટે એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવે.

(1:25 pm IST)